Editorial

આંતર રાજ્ય ચિત્તા કોમ્પ્લેક્ષ ઉભું કરતા પહેલા તમામ પાસાઓનો વિચાર થાય તે જરૂરી છે

ભારતમાં એક સમયે વાઘ, સિંહ, ચિત્તા, દીપડા સહિત અનેક વન્ય પશુઓ વિવિધ જંગલોમાં વિહાર કરતા હતા. જંગલો પાંખા થતા ગયા, વન્ય પશુઓનો મોટા પાયે શિકાર થતો રહ્યો અને તેમની વસ્તી ઘટતી ગઇ. ચિત્તાઓ તો ભારતમાં નામશેષ જ બની ગયા. દેશમાં એક પણ ચિત્તો રહ્યો નહીં તેના પછી અડધી સદી કરતા પણ વધુ સમય પછી હાલની સરકારે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ નામિબિયા અને સાઉથ આફ્રિકાના જંગલોમાંથી ચિત્તાઓ લાવીને મધ્ય પ્રદેશના પાલપુર કુનો નેશનલ પાર્ક જંગલમાં ચિત્તાઓ માટે ખાસ અભયારણ્ય ઉભું કરીને ત્યાં વસાવ્યા છે.

આ પ્રોજેક્ટ એકદમ વ્યવસ્થિત રીતે પાર પડ્યો છે એમ તો કહી શકાય તેમ નથી. ચિત્તાઓ અને તેમના બચ્ચાઓના મોતની ઉપરાછાપરી ઘટનાઓ પણ બની છે.  એક ચિત્તાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જઇને પણ ઠીક ઠીક સમય સુધી ભય ફેલાવ્યો હતો. જો કે બાદમાં સમયાનુસાર પગલાઓ ભરીને આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. હવે ભારત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આવેલ કુનો – ગાંધીસાગર જમીન વિસ્તારોમાં આગામી પચ્ચીસ વર્ષમાં એક આંતર રાજ્ય ચિત્તા સંરક્ષણ કોમ્પ્લેક્ષ બાંધવા માગે છે એમ  પ્રોજેક્ટ ચિતાહનો ૨૦૨૩-૨૪નો વાર્ષિક પ્રોગ્રેસ રિપોર્ટ જણાવે છે.

પરંતુ આ પ્રોજેકટ ખૂબ મહત્વાકાંક્ષી જણાય છે અને તેમાં તમામ પાસાઓની વિચાર કરીને જ  આગળ વધવું પડશે એમ સ્પષ્ટ જણાય છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા સપ્ટેમ્બરમાં પ્રોજેક્ટ ચિતાહને બે વર્ષ પુરું થવાના પ્રસંગે બહાર પાડવામાં આવેલ અહેવાલ જણાવે છે કે જ્યારે ચિત્તાઓનો એક નવો  બેચ આ વર્ષના અંત સુધીમાં ગાંધી સાગર વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં લાવવામાં આવે તેવી શક્યતા છે ત્યારે તેઓને આગામી પાંચ વર્ષમાં ફ્રી – રેન્જિંગ સ્થિતિમાં છોડી દેવામાં  આવશે.

ગાંધીસાગરમાં ચિત્તાને રજૂ કરવા માટેના એક્શન પ્લાન મુજબ પ્રથમ તબક્કામાં ૬૪ ચોરસ કિલોમીટરના શિકારીથી સુરક્ષિત વાડવાળા વિસ્તારમાં પાંચથી આઠ ચિત્તાઓને  છોડવામાં આવશે, જેમાં તેમના બ્રિડીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બંને જમીન વિસ્તારો, જે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદે આવેલા છે તે  એકબીજાની બાજુમાં છે અને તેમની ભેગી જમીન ૬૦-૭૦ ચિત્તાઓના માટે તેમના પુન:સ્થાપન, શિકારની ઉપલબ્ધી અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અસરકારક રીતે અમલમાં  મૂકવાના પગલાઓ પછી મેટાપોપ્યુલેશન વ્યવસ્થાપન માટે કુનો-ગાંધીસાગર ચિત્તા ભૂમિવિસ્તાર બનાવી શકે છે.

જ્યારે એક આંતરરાજ્ય ચિત્તા કન્ઝર્વેશન કોમ્પ્લેક્ષ આગામી ૨૫  વર્ષની અંદર પ્રોજેક્ટ ચિતાહના છત્ર હેઠળ તૈયાર થશે એ મુજબ આ અહેવાલમાં વંચાય છે. જ્યારે સત્તાવાળાઓ ચિત્તાઓના આગામી બેચ માટે ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય ૩૬૮ કિલોમીટરના વિસ્તારમાં તૈયાર કરવામાં વ્યસ્ત છે ત્યારે કુનોમાંના અંદરના વાડાઓ  કદમાં માત્ર ૦.પ થી ૧.પ કિલોમીટર જેટલા જ છે. આનાથી વિપરીત ચિત્તાઓને જંગલમાં વધુ વિશાળ વિસ્તારો જોઇએ છે, જે સામાન્ય રીતે પ૦ ચોરસ કિલોમીટર કરતા વધુ હોય  છે, જે શિકારની ઉપલબ્ધતા પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નામિબિયા અને સાઉથ આફ્રિકાથી લાવીને કુનો વન વિસ્તારમાં વસાવવામાં આવેલા ચિત્તાઓમાંથી ત્રણ  પુખ્ત ચિત્તાઓના મોત એક પ્રકારના ચેપથી થયા બાદ બાકીના તમામ ચિત્તાઓને મુક્ત વિસ્તારમાંથી ફરી વાડામાં લઇ જવા પડ્યા હતા. આ તમામ ચિત્તાઓને વન વિસ્તારમાં મુક્ત વિહાર કરતા મૂકી દેવાનું હજી જોખમી જણાઇ રહ્યું છે. ત્યારે આંતરરાજ્ય ચિત્તા કોમ્પ્લેક્ષ ઉભુ કરવાની યોજના વધુ જોખમી અને ગુંચવાડાભરી બની રહેશે એમ હાલ તો જણાય છે.

ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં માનવ વસ્તી ખૂબ વધી છે. બીજી બાજુ બેફામ શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે જંગલો ખૂબ પાંખા થઇ ગયા છે. જે જંગલ વિસ્તારો છે તેમાંના પણ ઘણા તો માનવ વસ્તીની ખૂબ નજીક છે અને વન્ય પશુઓ અને માણસો વચ્ચે સંઘર્ષના અનેક બનાવો સર્જાય છે. આપણા ગુજરાતના ગીરના જંગલમાંથી જ સિંહો અનેક વખતે માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોવાના બનાવો છેલ્લા કેટલાક સમયમાં ખૂબ વધી ગયા છે. આસામમાં હાથીઓના માણસો સાથે સંઘર્ષના બનાવો વારંવાર બનતા રહે છે. કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ વાઘ જેવા પશુઓના માણસ સાથે સંઘર્ષના બનાવો નોંધાતા હોય છે. આવા સંજોગોમાં આંતરરાજ્ય ચિત્તા કોમ્પ્લેક્ષ ઉભુ કરવાના પ્રોજેકટમાં તમામ પાસાઓનો વિચાર કરીને પછી જ આગળ વધવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top