રાત્રે તથા વહેલી સવારે લોકો રજાઇ ઓઢવા,સ્વેટર પહેરવા મજબૂર..
આગામી 23નવેમ્બર બાદ ઠંડી વધવાની શક્યતા..
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
શહેરમાં નવેમ્બર માસના અંતે આગળ વધતા ઠંડીનું જોર પણ વધવા લાગ્યું છે.રાત્રી દરમિયાન શહેરમાં તાપમાન ગાળતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જે વહેલી સવારે યથાવત જોવા મળી રહ્યો છે.ઉતર ભારતના કેટલાક પ્રદેશોમાં બરફ વર્ષા શરૂ થઇ ગઇ છે હિમાચલ પ્રદેશ, સીમલા, મનાલી જેવા સ્થળોએ હવે બરફ વર્ષા શરૂ થઇ જતાં શીતલહેર ની શરૂઆત થઇ છે ઉત્તર પૂર્વીય શીત લહેર થી હવે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે ત્યારે મધ્ય ગુજરાત પણ બાકાત રહ્યું નથી જો કે રાજ્યમાં ઠંડીની શરૂઆત થોડી મોડેથી શરૂ થઇ છે જેની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ ની અસરો જોવા મળી રહી છે સાથે જ માણસો પણ એટલા જ જવાબદાર છે.
શહેરમાં દિવસ દરમિયાન હજી વાતવરણ મધ્યમ જોવા મળી રહ્યું છે પરંતુ રાત જેમ જેમ વિતે છે તેમ તેમ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે લોકો હવે રજાઇ ઓઢવા તથા જેકેટ પહેરવા મજબૂર બન્યા છે. શહેરીજનોએ હવે ઓઢવાની, ગરમ વસ્ત્રો પહેરવાની તૈયારીઓ કરી દીધી છે.મોડી રાત્રે યોજાતા લગ્નોમાં હવે ખાસ કરીને ફરાસખાનાવાળાઓને અંગીઠી અથવાતો હિટર માટે કહેવામાં આવે છે. રાત્રે તથા વહેલી શહેરીજનો ચ્હાની ચૂસ્કી લેવા માટે નિકળી રહ્યા છે તો શહેરના બાગ બગીચા, મેદાનોમાં ધીમે ધીમે મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
મંગળવારે શહેરમાં મહતમ તાપમાન 31.6ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સોમવારની તુલનામાં એક ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 17ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 37% જેટલું નોંધાયું હતું આ તાપમાનમાં રાત્રે ઘટાડો જોવા મળે છે તાપમાન નીચું જતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર તા. 23નવેમ્બર થી એટલે કે નવેમ્બરના અંત થી ઠંડીનો ચમકારો વધશે.ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધશે તથા ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા પણ સેવાઇ રહી છે.