Vadodara

વડોદરા : રાજ્યના આરોગ્ય વિભાગનો સપાટો,વડોદરા સહિત રાજ્યની 7 હોસ્પિટલો સસ્પેન્ડ

સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમા ઓન્કોલોજી સારવારને આયુષ્યમાન કાર્ડથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાઈ,

ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે કાર્યવાહી કરવામાં આવી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમા સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના યુનિટ હેડ.ડો.મિનલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલ 10 વર્ષથી આયુષ્માન કાર્ડમાં સેવા આપે છે. અમારી હોસ્પિટલની ઓન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાથી દૂર કરાઈ છે. ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાથી સસ્પેન્ડ કર્યું છે. અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી આયુષ્માન કાર્ડ સેવાને સસ્પેન્ડ કરાઈ હતી. કેન્સરને લગતી સારવાર ત્રણ મહિના માટે આયુષ્માન કાર્ડમાં નહીં કરી શકાય. ખ્યાતિ હોસ્પિટલ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અને ખ્યાતિ હોસ્પિટલના કોઈ તબીબ અહીંયા સારવાર આપવા નથી આવતા તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top