બંધ ઘરમાંથી મહિલાની ડિકંમ્પોઝ હાલતમાં લાશ મળી હતી
FSLઅને પોસ્મોર્ટમ રિપોર્ટ બાકી
વાઘોડિયા
આસોજ ગામમાં એક વર્ષથી ભાડાના મકાનમાંથી પાંચ દિવસ પૂર્વે મોતને ભેટેલી મહિલાની ડીકંપોઝ થયેલી લાશ મળી આવી હતી. ઘટના બાદ પુરૂષ મિત્ર ફરાર થતા ગામમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જે બાદ ગુમ થયેલી મહિલાના પુરુષ મિત્રને જરોદ પોલીસે મોડી રાત્રે શોઘી ઝડપી પાડ્યો હતો. આ ચકચારી કેસમાં પોલીસ પુછપરછમા બળવંતસિંહ અભેસિંહ પટેલે જણાવ્યું છે કે, દેવ દિવાળીનાં દિવસે કમળાગ્રસ્ત મહિલાની તબિયત લથડી ગઇ હતી. સારવાર માટે સાસરીયા અને ભાઇ-બહેન પાસે આર્થિક મદદ માંગી હતી, પરંતુ કોઇએ મદદ ન કરતાં માંદગીના કારણે મોત નિપજ્યું હતું. જેથી ગભરાઇ જઈ રૂમ બંધ કરી જતો રહ્યો હતો. જરોદ પોલીસે પુરૂષ મિત્રના નિવેદનના આધારે હાલ અકસ્માતે મોત દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આસોજ ગામમાં રહેતા જનકભાઇ શાંતિભાઇ પટેલની બારોટની છ રૂમો પૈકી રૂમ નંબર એકમા દુર્ગંધ આવતા રૂમ બહારથી બંધ હાલતમાં હતી અને અંદરથી સખત દુર્ગંધ મારતી હતી. રૂમ ખોલીને અંદર જતા સુમિત્રાબેન ધાબળો ઓઢેલી હાલતમાં સુતેલા હતા ધાબળો ખોલીને જોતા તેમની જીભ બહાર નીકળેલી હતી અને શરીર કાળુ પડી ગયું હતું, તેમજ તેઓ મૃત હાલતમાં હતા.જે બાદ જરોદ પોલીસે એસએસજી હોસ્પિટલમાં મૃતદેહનુ પોસમોર્ટમ હાથ ધર્યુ હતુ.
*જરોદ પોલીસ મથકના પી.આઇ. જે. એ. બારોટે* જણાવ્યું હતું કે, મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું બિમારીથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણમા બહાર આવી રહ્યું છે. ઉપરાંત તેના પતિએ પણ પત્નીનુ બિમારીના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.