અન્સારી મહોલ્લામાં 1200 લોકો વચ્ચે 1 જ ટેન્કર અપાય છે, પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ
શહેરમાં ગંદા અને ઓછા પ્રેશરથી મળતા પાણી અંગેની ફરિયાદો છાસવારે ઊઠતી રહે છે. ત્યારે નવાપુરા અન્સારી મહોલ્લામાં છેલ્લા 8 મહિનાથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદ ઊઠી છે. રહીશોએ 1200 લોકો વચ્ચે માત્ર એક ટેન્કર પાલિકા દ્વારા આપવામાં આવતું હોવાથી પરેશાની થતી હોવાની રજૂઆત કરી છે. શહેરના નવાપુરા અન્સારી મહોલ્લાના રહીશો પાણીની સમસ્યાની રજૂઆત લઈ પાલિકા ખાતે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા 8 મહિનાથી વિસ્તારમાં પાણી ઓછા પ્રેશરથી મળી રહ્યું છે. જેના કારણે રહીશોને રોજબરોજના વપરાશમાં પણ પરેશાની થઈ રહી છે. પીવાનું પાણી નહીં મળતું હોવાથી તેમજ વપરાશ માટેનું પણી પણ નાણાં ખર્ચીને મગાવવું પડતું હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. પાલિકા દ્વારા 1200 લોકો વચ્ચે માત્રે એક જ ટેકર અપાય છે. જેને કારણે પાણી ભરતી વેળાએ લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં 8 મહિને પણ કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી.