Editorial

ભારતમાં જ આવું બને છે કે હોસ્પિટલ સ્મશાન બની જાય છે

યુપીના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ વોર્ડમાં રાત્રે લગભગ 10 વાગ્યે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં 54 જેટલા બાળકો દાખલ હતા. આગ લાગતાની સાથે જ જુનિયર ડોકટરો અને નર્સિંગ સ્ટાફની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ આર્મી ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની માહિતી મળતા જ ડીએમ અવિનાશ કુમાર, એસએસપી સુધા સિંહ, ડિવિઝનલ કમિશનર વિમલ દુબે, ડીઆઈજી કલાનિધિ નૈથાની ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમામ નવજાત બાળકોને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીએમ અવિનાશ કુમારે જણાવ્યું કે આગની આ દુર્ઘટનામાં 10 બાળકોના મોત થયા છે. અન્ય બાળકોની સારવાર ચાલુ છે.

મળતી માહિતી મુજબ વોર્ડમાં આવેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ પછી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં કોઇનું મોત થઇ જાય તેવું બને છે પરંતુ આગને કારણે જો મોત થઇ જાય તો એ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. જે નવજાત આ હોસ્પિટલના બેડ પર હતાં તેમના મા-બાપને ક્યાં ખબર હતી કે તેમના બાળકો તો સ્મશાનના લાકડા પર સૂતા છે. આ માત્ર પહેલી ઘટના હોય તો પણ ગંભીર છે પરંતુ ભારતમાં તો આવું વારંવાર બની ચૂક્યું છે જેમાં હોસ્પિટલમાં આગ લાગવાના કારણે દર્દીઓના મોત થઇ ગયા હોય. ખાનગી હોસ્પિટલના કિસ્સા અત્યાર સુધીમાં પ્રકાશમાં આવ્યા છે પરંતુ આ તો સરકારી હોસ્પિટલ છે જેનું સંચાલન જે તે રાજ્યની સરકાર કરે છે.

પગાર સહિતના જુદા જુદા મુદ્દે સરકારની સામે બાંયો ચડાવનાર આ તબીબોની ટોળકી હાલમાં આ ઘટના મુદ્દે કેમ એક હરફ ઉચ્ચારતા નથી તે પણ એક મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે, ભારતમાં એક નહીં અનેક સરકારી હોસ્પિટલો વર્ષોથી છે. તો આવી ગંભીર ઘટનાઓ અત્યારે જ શા માટે બની રહી છે. હવે ફરીથી માત્ર 12 કલાકમાં રિપોર્ટ આપવાનું શરૂ થયું છે. કમિટીનું ગઠન પણ થશે. દિવસોના દિવસો પસાર થઇ જશે પરંતુ આ બાળકોને ન્યાય મળશે કે કેમ તે હજી નક્કી નથી. આવું એટલા માટે કહેવું પડે છે કે ગુજરાતના સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ થયો. વડોદરામાં હરણી બોટકાંડ થયો.

મોરબીમાં પુલ દુર્ઘટના બની અને રાજકોટમાં ગેમઝોન કાંડ થયો તેમાં સરકારે જે કંઇ કર્યું તેનાથી મૃતકોના પરિવારજનો શુ ખુશ છે? જો હિંમત હોય તો અત્યારે જ આ દુર્ઘટનાઓના પરિવારજનોને નેતાઓએ ફોન રેકોર્ડ મોડ પર મૂકીને પૂછવું જોઇએ કે, સરકારી રિપોર્ટ, તપાસ, કમિટીનું ગઠન અને ન્યાયિક પ્રક્રિયાથી તેઓ ખુશ છે. અને તેઓ જે જવાબ આપે તેનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર જાહેર કરવું જોઇએ. તાજેતરમાં જ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની તેનું ઉદાહરણ તો દુનિયાના કોઇ ખૂણામાં જોવા મળે તેમ નથી. ઘરેથી સાજાસમા લોકોને લક્ઝરી બસમાં ઊંચકી જઇને ઓપરેશન કરી નાંખ્યા જેમાંથી બેનાં તો મોત થઇ ગયાં. શું દુનિયામાં આવું બન્યું હોય તેવું કોઇ ઉદાહરણ છે.

જ્યારે સમગ્ર દેશની પ્રજાને ખબર છે કે, હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડનો કેટલો દુરુપયોગ કરી રહ્યા છે તો શું ઉચ્ચ કક્ષાએ બેઠેલા પદાધિકારીને અધિકારીઓને આ ખબર નહીં હોય? જો ના ખબર હોય તો તેઓ ઉચ્ચ કક્ષાના નહીં પરંતુ તુચ્છ કક્ષાના છે. જો કોઇને વાયુને કે અન્ય કોઇ કારણસર છાતીમાં દુખાવો થાય તેની કેટલાક તબીબો લાળ ટપકાવીને રાહ જોઇ રહ્યાં હોય છે. જે રીતે પશુઓને પકડવા વનવિભાગ પાંજરુ મૂકે છે તેમાં મારણ મૂકે છે અને પશુ પીંજરામાં આવે તેની રાહ જુએ છે તેવી જ હાલત કેટલાક તબીબોની પણ છે.

છાતીના દુખાવાની ફરિયાદ લઇને દર્દી આવે અને ક્યારે પીંજરુ બંધ થાય. સૌથી મોટી વાત તો એ છે કે, દર્દી જો કોઇ ફરિયાદ લઇને જાય તો હોસ્પિટલોમાં તેના સંબંધીને આપવા માટે પેમ્પેલ્ટ હોય છે. કોઇપણ હોસ્પિટલમાં જઇને તપાસ કરો અત્યારે પણ તો આવા પેમ્પલેટ મળી જ આવશે. જેના પર લખ્યું હોય છે ‘પેકેજ’ અરે પેકેજ હોસ્પિટલના ના હોય એ તો હોટલ કે ટુરના હોય. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપીય દેશોમાં હોસ્પિટલોની જે મશીનરી હોય તેમાં ખામી સર્જાઇ અને લોકો ટપોટપ મરી જાય તેવું બનતું નથી તો ભારતમાં આવું બને તે કેવી રીતે ચલાવી શકાય. જ્યારે જ્યારે પણ મોતનું તાંડવ થાય છે ત્યારબાદ શું થવાનું છે તે પ્રજા હવે ખૂબ સારી રીતે જાણી ગઇ છે.

Most Popular

To Top