Editorial

હવામાન પરિવર્તનના મામલે વિશ્વનેતાઓએ ગંભીર બનવું જ જોઈએ

હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મંગ એ આજે દુનિયાભરના દેશો માટે એક મોટી ચિંતાનો વિષય છે. દુનિયામાં ખૂબ વધી ગયેલા પ્રદૂષણને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે જેને ગ્લોબલ વૉર્મિંગ કહેવામાં આવે છે અને આ ગ્લોબલ વૉર્મિંગને કારણે હવામાન પણ બદલાઇ રહ્યું છે અને માણસ પર અને સમગ્ર જીવસૃષ્ટિ પર જાત જાતના જોખમો તોળાઇ રહ્યા છે. આ હવામાન પરિવર્તનની અને તેને સંલગ્ન મુદ્દાઓની ચર્ચા કરવા માટે યુનાઇટેડ નેશન્સ તરફથી છેલ્લા કેટલાક વર્ષથી હવામાન પરિષદ વાર્ષિક ધોરણે બોલાવવામાં આવે છે અને તેમાં પ્રદૂષણ ઘટાડવા અંગે, કાર્બન ઉત્સર્જનની મર્યાદા ઠરાવવા વગેરે માટે ચર્ચાઓ થાય છે.

આ વખતે મધ્ય એશિયાના દેશ આઝાબૈજાનના બાકુ શહેરમાં મંગળવારે યુએનની બે દિવસની વાર્ષિક હવામાન પરિષદનો આરંભ થયો હતો જેમાં વિશ્વના ૧૦૦ જેટલા દેશોના નેતાઓ હાજર હતા પણ દુ:ખદ વાત એ રહી કે જેઓ સૌથી વધુ પ્રદૂષણ કરે છે તેવા ૧૩ દેશોના નેતાઓ જ આ પરિષદમાં હાજર ન હતા. અગાઉની આ મંત્રણાઓમાં આ દેશોના નેતાઓ મોટે ભાગે હાજર રહેતા હતા પણ આ વખતે આ નેતાઓ ગેરહાજર રહ્યા હતા.

જેઓ સૌથી વધુ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરે છે તેવા ૧૩ દેશોના નેતાઓ આ પરિષદમાં હાજર રહેવાના નથી એવી માહિતી મળી હતી અને આ નેતાઓમાં ચીની પ્રમુખ ઝિ જિનપિંગ, અમેરિકી પ્રમુખ જોસેફ બાઇડન, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો સમાવેશ થાય છે. આ ૧૩ દેશો એવા છે કે જેમણે ગયા વર્ષે વિશ્વમાં ગરમી વધારતા વાયુઓનું જે કુલ ઉત્સર્જન થયું તેમાંથી ૭૦ ટકા આવા વાયુઓનું ઉત્સર્જન કર્યું હતું. ૨૦૨૪ની કોપ૨૯ હવામાન મંત્રણાઓમાં આ નેતાઓ હાજર નહીં રહ્યા તેની સ્વાભાવિક જ ટીકાઓ પણ થઇ છે.

આ નેતાઓની ગેરહાજરી એ પ્રદૂષણ નિયંત્રણની દિશામાં કાર્ય કરવા માટેની રાજકીય ઇચ્છાશક્તિના અભાવનું ચિન્હ છે. તાકીદની જરૂરિયાતની કોઇ લાગણી પ્રવર્તતી નથી એ મુજબ એક હવામાન વિજ્ઞાની એવા બિલ હેરે કહ્યું હતું. તો આ સમિટમાં પોતાના પ્રવચનમાં બેલારૂસના પ્રમુખ એલેકસાન્ડ્ર લુકાશેન્કોએ કહ્યું હતું કે જેઓ જવાબદાર છે તે લોકો જ ગેરહાજર છે. ફ્રાન્સના પ્રમુખની તેમણે આકરી ટીકા કરી હતી જે ફ્રાન્સના પેરિસમાં અગાઉ થયેલી સંધિ ઘણી મહત્વની બની રહી હતી અને આ વખતે ફ્રાન્સના પ્રમુખ જ યુએનની આ હવામાન સંધિમાં હાજર રહ્યા નથી.

ફ્રાન્સ જ નહીં, વિશ્વના સૌથી વધુ પ્રદૂષણ કરનારા દેશો – ચીન અને અમેરિકાએ પણ પોતાના ટોચના નેતાઓને મોકલ્યા ન હતા તો ભારત અને ઇન્ડોનેશિયાની સરકારોના વડાઓ પણ હાજર રહ્યા ન હતા. આનો અર્થ એ કે વિશ્વની કુલ વસ્તીના ૪૨ ટકા કરતા વધુ વસ્તી ધરાવતા ચાર દેશોના વડાઓ આ પરિષદમાં હાજર ન હતા. જો કે સારી વાત એ હતી કે બ્રિટનના વડાપ્રધાન કેઇર સ્ટારમર આ પરિષદમાં હાજર હતા. કેઇમર ઉપરાંત તુર્કીના પ્રમુખ રિસપ એર્દોગન સહિત પ૦ જેટલા નેતાઓના પ્રવચનનો કાર્યક્રમ આ સમિટમાં હતો. ભારત અને ચીન  એ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રથમ અને બીજા ક્રમના દેશો છે.

આ બે દેશોની વસ્તી જ મળીને ત્રણ અબજની નજીક પહોંચી જાય છે અને વળી આ બંને દેશોમાં ઔદ્યોગિકરણ પણ ઘણુ થયું છે અને તેથી સ્વાભાવિક રીતે આ બંને દેશોમાં થતું પ્રદૂષણ પણ ઘણુ વધારે છે. ઇન્ડોનેશિયા પણ પચ્ચીસ કરોડથી વધુ વસ્તી ધરાવતો ઔદ્યોગિક દેશ છે અને તે પણ કાર્બન ઉત્સર્જનમાં મોટો ફાળો આપતું હોય તે સ્વાભાવિક છે. અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશો ઔદ્યોગિક દેશો છે અને ત્યાં વાહનોનું પ્રમાણ ખૂબ મોટું છે. આમાં પણ અમેરિકા તો કદ અને વસ્તીની દષ્ટિએ ઘણો મોટો દેશ છે અને તેથી પ્રદૂષણ કરવાની બાબતમાં તેનું સ્થાન પણ આગળ પડતું હોય તે સ્વાભાવિક છે.

અમેરિકાના પ્રમુખ બાઇડન આમ તો પ્રદૂષણ નિયંત્રણમાં સકારાત્મક અભિગમ ધરાવે છે અને આપણા વડાપ્રધાન મોદી પણ પર્યાવરણવાદી છે, તેઓ કેમ નહીં ગયા તે આશ્ચર્ય છે, કદાચ કોઇ મજબૂરીઓ હોઇ શકે. અને અમેરિકામાં હવે ટ્રમ્પ ચૂંટાયા છે અને પર્યાવરણ રક્ષાની બાબતમાં તેઓ સાવ બેદરકાર છે, અગાઉ તેમણે અમેરિકાને પેરિસ સંધિમાંથી ખેંચી લીધું હતું અને હવે ફરીથી તેઓ અવિચારી પગલાઓ ભરે તેવી ચિંતાઓ સર્જાઇ છે. એવું નથી કે જે દેશ વધુ કાર્બન ઉત્સર્જન કરે તેને જ સહન કરવું પડે. કાર્બન ઉત્સર્જનની અસર આખા વિશ્વના હવામાન પર વિવિધ સ્થળે વધતે ઓછે સ્થાને થાય છે અને સમગ્ર પૃથ્વીનું હવામાન બગડતા સમગ્ર માણસજાતે સહન કરવું પડે તેમ છે. વૈશ્વિક નેતાઓએ આ બાબતે ગંભીર થવું જ જોઇએ.

Most Popular

To Top