Charotar

આણંદ તાલુકા પંચાયતની સભામાં 5 કામો સર્વાનુમતે મંજૂર કરાયા

આણંદ તા. પં હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં 8થી વધુ માર્ગો તંત્ર દ્વારા જંગલ કટીંગ સહિત કામગીરી હાથ ધરવા રજુઆત 

(પ્રતિનિધિ) આણંદ, તા.13

આણંદ તાલુકા પંચાયતની સામાન્ય સભા પંચાયત ભવનના હોલ ખાતે યોજાઇ હતી.  સામાન્ય સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવેલા 5 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. પરંતુ રામનગર તાલુકા પંચાયતના સભ્યે ચોમાસામાં ધોવાણ થઇ ગયેલા જુદા જુદા માર્ગોનું તાત્કાલિક નવીનીકરણની કામગીરી અન્ય પ્રશ્ન સંદર્ભે લેખિતમાં ફરિયાદ કરાતાં સામાન્ય સભામાં સન્નાટો છવાઇ ગયો હતો. યોગ્ય નિરાકરણ નહીં થાય તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

મળતી વિગતો મુજબ આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન પરમાર અને ચેરમેન લખનસિંહ વાઘેલાની ઉપસ્થિતીમાં સામાન્ય સભા યોજાઇ હતી. ત્યારે સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી અંગે બહાલી આપવામાં આવી હતી . સાથે સાથે સભાના ઠરાવોની અમલવારીની સમીક્ષા સહિત જુદા જુદા 5 એજન્ડા મંજૂરી અર્થે રજૂ કરાયા હતા. જોકે કોઇ પણ પ્રકારના વિરોધ વગર એજન્ડા મંજૂર કરાવી દેવાયો હતા. આ અંગે સામાન્ય સભામાં રામનગર તાલુકા પંચાયતના સભ્ય જયોત્સનાબેન પરમારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં રામનગર ગેટથી ભાથીજી મંદિર સુધીનો માર્ગ, કંચનપુરા સ્કૂલ, વહેરાખાડી, બળિયાદેવ મંદિરથી નેશનલ હાઇવે સુધીનો માર્ગ સહિત 8 થી વધુ માર્ગો તંત્ર દ્વારા જંગલ કટીંગ સહિત કામગીરી હાથ ધરાતી નથી.જેના પગલે આજુબાજુ વિસ્તારના 35 વધુ ગામોના વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

ત્યારબાદ રામનગરમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતાં સામાન્ય સભામાં મામલો ટોક ઓફ ટાઉન બની ગયો હતો. જો કે તાલુકા પંચાયતના સભ્યએ ટુંક સમયમાં વિકાસના કાર્યો હાથ નહીં ધરાય તો આગામી સમયમાં આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.

Most Popular

To Top