Vadodara

વડોદરા : વૃદ્ધ-મહિલાના ગળામાંથી ચેન તોડનાર રીઢો આરોપી ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા.13

વાઘોડિયા રોડ તથા કારેલીબાગ વિસ્તારમાંથી વૃદ્ધ તથા મહિલાના ગળામાંથી સાગરીત સાથે બાઇક પર આવી સોનાની ચેન આંચકી લેનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે અલકાપુરી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. સોનાની ચેન લઇને વેચાણ કરવાની ફિરાકમાં ફરતો હતો ત્યારે તેને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી બે સોનાની ચેન, બાઇક અને મોબાઇલ મળી રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરી કારેલીબાગ-કપુરાઇ પોલીસને સોંપવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં વારંવાર મહિલાઓ તથા સિનિયર સિટીઝનોને નિશાન બનાવી અછોડા તોડીને બાઇક સવાર ફરાર થઇ જતા હોય છે. ત્યારે આ બાઇક સવાર અછોડા તોડોને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી ફુટેજ, ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન 7 નવેમ્બરના રોજ કારેલીબાગ વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી લઇ જવાના કેસમાં અગાઉ લૂંટ તથા ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા શખ્સ ચંદન દયાશંકર રાજપૂત (રહે. ખોડિયારનગર) તેમજ તેની સાથે એક સરદારજી સંડાવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ 13 નવેમ્બરના રોજ ચંદન દયાશંકર રાજપુતને સોનાની ચેન વેચવાની ફિરાકમાં અલકાપુરી રોડ પર ફરી રહ્યો હોવાની બાતમી મળતા વેંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી મુજબના સ્થળ પર પહોચી ગઇ હતી અને વડોદરા રેલવે સ્ટેશન પાછળ અલકાપુરી રોડ પરથી ચંદન રાજપૂતને ઝડપી પાડ્યો હતો.તેની અંગજડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી બે સોનાની ચેન અને મોબાઇલ મળી આવ્યાં હતા.  જેથી તેની પાસેથી સોનાની ચેન તથા મોબાઇલ અંગે પેપર્સ માંગતા ન હોવાનું જણાવ્યું હતું. તેની કડકાઇથી પૂછપરછ કરતા તેણે એક સિકલીગર સાગરીત સાથે મળીને 1 તથા 7 નવેમ્બરના રોજ બાઇક પર  વાઘોડિયા રોડ ખાતેથી વૃદ્ધ તથા કારેલીબાગમાંથી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી હોવાની કબૂલાત કરી હતી. જેથી બંને આરોપીઓને કારેલીબાગ તથા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.આરોપી પાસેથી સોનાની બે ચેન, મોબાઇલ અને બાઇક મળી રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ચંદન રાજપૂત વિરુદ્ધ અગાઉ પેટ્રોલપંપ લુંટ, ખૂનની કોશિષ, તથા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

– અકોટા વિસ્તારમાં મહિલાના ગળામાંથી ચેન તોડી બે ગઠિયા ફરાર

અકોટા વિસ્તારમાં હરીપુરા ગામ પાસે ઘંટીવાળી ગલીમાં રહેતા નયનાબેન દીનેશભાઇ દલવાડી 12 નવેમ્બરના રોજ રાત્રીના સમયે જમીને ભત્રીજી સાથે ચાલવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ હરીપુરા થઈ અજીતનગર સોસાયટી, ગાય સર્કલ તરફ ગયા હતા અને ગાય સર્કલથી ઉર્મી સર્કલથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એચડીએફસી બેંક પાસે આશરે તેમની પાછળથી અચાનક બે શખ્સો બાઇક પર આવ્યા હતા. ત્યારબાદ બાઇક પાછળ બેઠેલા શખ્સે મહિલો ગળામાં પહેરેલી સોનાની ચેન તોડવા જતા તેઓએ પકડી લેતા 18 હજારનો ટુકડો ગઠિયાઓ લઇને ભાગી ગયા હતા જ્યારે અડધી ચેન મહિલાના હાથમાં રહી ગઇ હતી. મહિલાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top