વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ થી ઓએનજીસી તરફ જતા રોડ પર બે મહિનામાં ત્રીજો ભુવો પડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાથે સાથે ડ્રેનેજ લીકેજ થતા રોડ પર દૂષિત અને દુર્ગંધવાળું પાણી ફરી વળતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા.
વડોદરા પ્રતાપ નગર ડેરી સર્કલ જતા ongc ના મુખ્ય ગેટ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે બે મહિનામાં એક જ રોડ પર ત્રીજો ભૂવો પડ્યો છે, મોટો અકસ્માત સર્જાયો નથી પરંતુ એક જ રોડના મુખ્ય માર્ગ પર ભુવાને જોતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાથે સાથે ડ્રેનેજનું દૂષિત અને દુર્ગંધવાળું પાણી રોડ પર ફરી વળ્યું હતું . જેના કારણે લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આજે પડેલા ભુવાથી થોડું આગળ બીજો એક ભુવો નાનો જોવા મળ્યો હતો જે એક જ લાઈનમાં હોય તેમ દેખાઈ આવે છે. આ ભુવો વરસાદી પાણીની લાઈન કે પછી ડ્રેનેજ જૂની થઈ ગઈ હોય અથવા સડી ગઈ હોય જેના કારણે આખો રોડ બેસી જાય એવી દહેશત લોકોમાં જોવા મળી હતી.
આ ભુવાની તંત્રને જાણ થતા તંત્ર દોડતું થયું હતું અને આ ભુવાને પુરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સવાલ એ છે બે મહિનામાં એક જ મુખ્ય રોડ પર ત્રણ ત્રણ વખત મોટા ભુવા પડવા એ કેટલું યોગ્ય છે?