ઉત્તર ગુજરાત-અમદાવાદ-સૌરાષ્ટ્ર રૂટ પર બસ દોડશે :
ગેરકાયદેસર ફેરા મારતા ખાનગી વાહનો પર તવાઈ, દિવસ દરમિયાન 700 થી વધુ બસો દોડશે :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.6
વડોદરામાં એસટી બસ મારફતે મુસાફરી કરતા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. ખાનગી વાહનોને લપડાક આપી કારેલીબાગ અમિતનગર સર્કલ ખાતેથી અગાઉ બંધ કરાયેલ એસટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જે ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફના રૂટ પર કાર્યાન્વિન્ત કરવામાં આવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ અમિત નગર સર્કલ ખાતે છેલ્લા ઘણા સમયમાં ખાનગી વાહનો બેફામ બન્યા હતા. મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હતી. ઘણી વખત નિર્દોષ નાગરિકો પણ આ ખાનગી વાહનોનો ભોગ બન્યા છે. આ મામલે ઘણી વખત પોલીસ મથકોમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ હપ્તાખોરીના આ રાજમાં ખાનગી વાહનો ચાલક સામે કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી. જ્યારે મોડે મોડે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ખાનગી વાહનોને આપવા માટે લાભ પાંચમના શુભ દિવસથી એસટી વિભાગ મેદાનમાં આવ્યું હતું. કારેલીબાગ અમિત નગર સર્કલ ખાતેથી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
એસટી વિભાગની બસો ઉત્તર ગુજરાત અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ દોડશે. એસટી વિભાગના ડેપો મેનેજરના કહ્યા મુજબ આ જગ્યા ઉપર અગાઉ એસ.ટી વિભાગની બસ સેવા કાર્યરત હતી. પરંતુ, જે તે વખતે એક અકસ્માતના કારણે અહીંયા બસ સ્ટેન્ડને જિલ્લા કલેકટર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી હતી તેવામાં ખાનગી વાહનો બેફામ બન્યા હતા. ત્યારે, હવે વહીવટી તંત્ર દ્વારા એસટી વિભાગને અમિત નગર સર્કલથી બસ સેવા શરૂ કરવા મંજૂરી મળી જતા લાભ પાંચમથી મુસાફરોને ખાસ ધ્યાનમાં રાખીને આ બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અમદાવાદ સૌરાષ્ટ્ર તરફ દિવસ દરમિયાન 700થી વધુ બસ દોડનાર છે.