નગરજનો પાલિકાના અતિથિ ગૃહનો ઉપયોગ નહિ કરી શકે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ કે જે હવે અતિથિગૃહ કહેવાય છે, છેલ્લા બે વર્ષથી તૈયાર હોવા છતાં તેનું હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જેના કારણે વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન સહિતના શુભ પ્રસંગો આ અતિથિ ગૃહમાં યોજવાનો લાભ મળતો નથી.
આ વર્ષે 12 નવેમ્બર થી લગ્નસરાનો પ્રારંભ થઈ રહ્યો છે. નવા વિક્રમ સંવતના વર્ષમાં લગ્ન માટેના 58 મુહૂર્ત છે. જેના કારણે પાર્ટી પ્લોટો, વાડીઓ, મેરેજ હોલ, અતિથિગૃહો વગેરેની ડિમાન્ડ ખૂબ વધી જશે. આ સંજોગોમાં નિઝામપુરા અતિથિગૃહ જો શરૂ કરી દેવામાં આવે તો લોકો પોતાના શુભ પ્રસંગો યોજવા તે બુક પણ કરાવી શકે, પરંતુ કોર્પોરેશનના તંત્રને હજુ આ અતિથિગૃહનું લોકાર્પણ કરવાનું મહુર્ત મળતું નથી. આ કોમ્યુનિટી હોલ બનાવવા વર્ષ 2021માં 21 જાન્યુઆરીના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, અને 18 મહિના બાદ 21 જુલાઈ 2022 ના રોજ કામગીરી પૂર્ણ કરવાની હતી. મકરપુરા અને નિઝામપુરા આ બંને સ્થળે કોમ્યુનિટી હોલ બનાવવા વર્ક ઓર્ડર સાથે
આપવામાં આવ્યો હતો. મકરપુરા કોમ્યુનિટી હોલ 2.14 કરોડના ખર્ચે ગયા વર્ષે શરૂ થઈ ગયો છે. શહેરનો આ 20મો કોમ્યુનિટી હોલ હતો. વસાહત તેમજ નગરોમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને લગ્ન સહિતના પ્રસંગો યોજવા માટે મકરપુરા કોમ્યુનિટી હોલ ખૂબ ઉપયોગી બની રહ્યો છે. છેલ્લા બે વર્ષથી નિઝામપુરા અતિથિ ગૃહ તૈયાર હોવાથી લોકો પોતાના પ્રસંગો યોજવ જવા માટે અહીં બુકિંગ કરાવવા માટે આવી રહ્યા છે અને ક્યારે શરૂ થશે તેની પૂછતાછ કરે છે. બહાર મોંઘા પાર્ટી પ્લોટ અને મેરેજ હોલમાં લગ્ન પ્રસંગો યોજવા નું સામાન્ય લોકોને પરવડતું હોતું નથી. જેથી આ અતિથિગૃહ જેમ બને તેમ જલ્દી શરૂ કરી દેવું જોઈએ.
સ્માર્ટસીટી સત્તાધિશોના અણઘડ વહીવટના કારણે નાગરિકો નિઝામપુરા અતિથિ ગૃહમાં લગ્ન કરી શકશે નહીં
By
Posted on