ડાયરેક્ટરને કોર્ટમા રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
દાહોદ તા. 05
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આજરોજ દાહોદ પોલીસે APMC ના ડાયરેક્ટરની ધરપકડ કરી જેલભેગો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપરોક્ત APMC ના ડાયરેક્ટર દ્વારા કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં NA ના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યાં હોવાના પ્રકરણમાં અટકાયત કરી વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતા જમીન કૌભાંડ જેમાં NA તેમજ 73 AAના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી એક તરફ સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી. તો બીજી તરફ ઉપરોક્ત જમીનોનો વેચાણ કરી મોટાભાગના ઈસમોને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના આ પૂર્વ આયોજિત કાવતરામાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદોમાં કુલ 112 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થયા છે. આ લોકોની ધરપકડ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે.ત્યારે ઉપરોક્ત જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સર્વે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે તે અરસામાં દાહોદ પોલીસે એપીએમસીના ડાયરેક્ટર નિલેશ બળદવાલની ગઈકાલે ધરપકડ કરી આજરોજ કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટર દ્વારા દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી સર્વે નંબર 31/10 માં બોગસ NA ના હુકમના આધારે ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.જોકે આ જમીન પ્રકરણમાં ધરપકડ કરાયેલા નિલેશ બળદવાલ રિમાન્ડ દરમિયાન કેવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું..