Vadodara

વડોદરા : ગોત્રી રોડ પર જય જલારામ નગર પાસે મહેતા ટાયર્સમાં ભીષણ આગ

જનરેટરમાં સ્પાર્ક થવાના કારણે જૂના ટાયરોમાં આગ ભભૂકી :

સ્થાનિક રહીશોએ જૂના ટાયરોનો નિકાલ કરવા રજૂઆત પણ કરી હતી :

( પ્રતિનિધિ )વડોદરા, તા.5

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ જય જલારામ નગર પાસે આવેલા મહેતા ટાયર્સમાં મોડી રાત્રે શંકાસ્પદ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ સોસાયટી સુધી પ્રસરી હતી. જેના કારણે રહીશોમાં પણ ભય ફેલાયો હતો. તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોડી રાત્રે ગોત્રી મેતા ટાયર્સમાં ભીષણ આગ ભભૂકી હતી જેના કારણે તંત્ર દોડતું થયું હતું. વારંવાર મહેતા ટાયર્સના કર્મચારીઓ તેમજ માલિકને સોસાયટીના રહીશો દ્વારા ટાયર્સના માલિકોને જૂના ટાયરો વધુ સંખ્યામાં નહીં રાખવા અને તેનો નિકાલ કરવાની રજૂઆતો કરવા છતાં પણ મહેતા ટાયર્સ દ્વારા ટાયરનો નિકાલ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ભયંકર આગ લાગી હતી અને સોસાયટીના રહીશોના મકાનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે સોસાયટીની વોલ તેમજ વોલ પાસે રાખેલી ઘર સામગ્રીને પણ મોટું નુકસાન થયું હતું.

સોસાયટીના રહીશો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વહેલી તકે રેસિડેન્સીયલ એરિયામાંથી આ કોમર્શિયલ બિલ્ડીંગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. સ્થાનિક રહીશ અમન પંડયાના કહ્યા મુજબ મહેતા ટાયર્સની નવ માળની બિલ્ડીંગમાં ટાયરનો શો રૂમ આવેલો છે અને તેની પાછળ જુના ટાયર મૂકી રાખવામાં આવે છે. જ્યાં ટારને અડીને જનરેટર પડેલું હોય જેમાં સ્પાર્ક થવાના કારણે ટાયરોમાં આગ લાગી હતી. ઇન્વેસ્ટીગેશન ઓફિસરને અમે અરજી આપી છે કે આ રહેણાક વિસ્તારમાં આ ટાયરો નો શોરૂમ રાખેલો છે જેને બંધ કરવો જોઈએ અને અમારી પરવાનગી સિવાય તેને શરૂ કરવામાં આવે નહીં તેવી અમે રજૂઆત કરી છે આ આગ લાગી આ એટલી બધી પ્રસરી હતી કે અમે પણ ભયભીત થયા હતા જો જનરેટર ફાટ્યું હોત તો મોટી ઘટના બની હોત. પરંતુ સદભાગ્યે એવી કોઈ મોટી ઘટના બની ન હતી.

Most Popular

To Top