શહેરમાં પ્રદૂષણ વધતા તથા કોનોકાર્પસ ને કારણે પણ લોકોમાં શ્વાસને લગતી તકલીફો વધી…
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં શ્વાસની બિમારીઓના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની અંદર તેમજ શહેર ફરતે જે રીતે ફેક્ટરીઓ વધી રહી છે તેમજ શહેરમાં જરુરિયાત કરતાં પણ વધુ ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનો જેમાં ઓટોરિક્ષા, બસો, કેબ, ટેક્સી તથા ખાનગી ફોરવ્હિલર, ટુ વ્હિલર જેવા વાહનોમાં વધારો જોવા મળ્યો છે સાથે સાથે શહેરની વચ્ચે ડિવાઇડર પર કોનોકાર્પસ ના વૃક્ષો લગાડવામાં આવ્યા છે આ તમામ પરિબળોને કારણે શહેરનું વાતાવરણ બદલાયું છે જેની અસર હવે લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. લોકો શ્વાસની બિમારીનો ભોગ બની રહ્યાં છે. શહેરના નંદેશરી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી જે રીતે રાત્રી દરમિયાન વિવિધ કેમિકલ કંપનીઓમાંથી ઝેરી અથવાતો જોખમી ગેસ છોડવામાં આવે છે જેના કારણે શહેરના ગોરવા, ઉંડેરા, સુભાનપુરા, ગોત્રી સહિતના વિસ્તારોમાં ઘણીવાર લોકોને રાત્રે આંખોમાં બળતરા થવી શ્વાસ લેવામાં તકલીફો ઉભી થઇ રહી છે તે જ રીતે છાણી, સાંકરદા, વિગેરે વિસ્તારોમાં પણ રિફાઇનરી તથા નંદેશરી ઇન્ડસ્ટ્રિયલ એરિયાના કંપનીઓના ગેસની અસરો થતી રહી છે. શહેરમાં એક તરફ ધીમે ધીમે વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે તેની જગ્યાએ મોટી મોટી ઇમારતો ઉભી થઇ રહી છે ત્યારે શુધ્ધ હવા માટે જરૂરી ઓક્સિજન નો અભાવ જોવા મળે છે. બીજી તરફ વર્ષ 2017 થી જે રીતે સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિવાઇડર વચ્ચે કોનોકાર્પસ ના વૃક્ષો રોપ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક શહેરની આબોહવાને અસર કરી રહ્યાં છે. તદ ઉપરાંત હાલમાં દિવાળી પર્વે ફટાકડા નું પ્રદૂષણ પણ વાતાવરણને અસર કરે છે વાહનોના ધૂમાડા ઉપરાંત દિવાળીમાં ફટાકડાને કારણે એર પોલ્યુશન વધી જાય છે. આવા સમયે ખાસ કરીને નાના બાળકો, વૃધ્ધોને તેની ઝડપભેર અસરો જોવા મળે છે. તદુપરાંત લોકો જે રીતે સ્મોકિંગ કરે છે તે તમામ બાબતોની અસર વાતાવરણ પર પડી રહી છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઉભી થતાં દમ, અસ્થમા, હાર્ટએટેક, કાર્ડિયાક એટેક, વાઇરલ ઇન્ફેકશન, ન્યૂમોનિયા તથા બ્રોન્કયોલાઇટિસ સહિતની બિમારીઓ વધી છે. નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ, નાના બાળકો, બિમાર તથા વૃદ્ધ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી સૌથી વધુ તે લોકોને આ પોલ્યુશન ની અસર જોવા મળે છે. આવા શ્વાસ સંબંધિત બિમારીઓમાં સમયસર નિદાન તથા યોગ્ય નિષ્ણાત તબીબો પાસેથી જ નિદાન કરાવવું જોઈએ તથા સલાહ મુજબ દવા લેવી જોઈએ. શક્ય હોય તો માસ્કનો ઉપયોગ, ચશ્માં નો ઉપયોગ કરવો જોઈએ એક સર્વે મુજબ ગુજરાત ની અને વડોદરાની એર ક્વોલિટી સાધારણ જોવા મળી છે