વડોદરા એસટી ડિવિઝન દ્વારા પ્રતિ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન પોતાના માદરે વતન જતા મુસાફરો માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે આ વખતે 45 જેટલી વધુ બસો વધારાની મૂકવામાં આવી છે. જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં આજે મળી 20 લાખ કરતા વધુની આવક થઈ છે.
દિવાળીના તહેવારોને અનુલક્ષીને બહારગામ વતનમાં પોતાના સ્વજનો સાથે દિવાળીની ઉજવણી કરવા લોકો એ એસટી બસો દ્વારા જવાની શરૂઆત કરી દીધી છે અને સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન પર લોકોનો ધસારો થતાં તેને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવાની શરૂઆત કરી છે. વડોદરા થી અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ઘસારો વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 10 સુધી વડોદરા બસ સ્ટેશનથી વધારાની 45 બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આમ તો રોજની 85 બસ દોડે છે એ ઉપરાંત આ વધારાની બસ છે. તહેવારોના દિવસો હોવાથી 45 માંથી 85 વધારાની બસ દોડાવવા આયોજન કરાયું છે. જેથી કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળી શકાય. તહેવાર પૂરો થયા બાદ તારીખ 15 થી 19 સુધી ટ્રાફિક થોડો ઓછો થશે છતાં પણ વધુ 45 બસ ચાલુ રાખવામાં આવશે. છેલ્લા પાંચ દિવસથી દિવાળીના તહેવારોને લઈને વડોદરા એસટી ડિવિઝન દ્વારા સ્પેશિયલ એક્સ્ટ્રા બસો દોડાવાઈ રહી છે. જેના કારણે બુધવાર સુધીમાં વડોદરા એસટી ડિવિઝન અત્યાર સુધીમાં 20 લાખ કરતા વધુની આવક થઈ છે.