Charotar

કેનેડાના ટોરોન્ટોના અકસ્માતમાં બોરસદ અને લુણાવાડાના 3 NRIના મોત

કારમાં સવાર પાંચ પૈકીના બોરસદના જયરાજસિંહ સિસોદિયા અને લુણાવાડાના સગા ભાઈ – બહેન સહિતના ચારના ઘટના સ્થળે જ મોત થયાં

(પ્રતિનિધિ) બોરસદ તા.25

કેનેડાના ટોરોન્ટોમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ ચારમાં બોરસદનો યુવાન તથા લુણાવાડાના ભાઇ – બહેનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના એક યુવાને જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતના પગલે દેશમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

ભાદરણ કોલેજના અધ્યાપક પ્રો. હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયાનું ગુરુવારે ટોરેન્ટો કેનેડામાં કાર અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આણંદ જિલ્લાના બોરસદના યુવાન તેમજ લુણાવાડાના સગા ભાઈ – બહેન અને મહારાષ્ટ્રના એક યુવાનનુ પણ મોત થયું હતું. જયરાજસિંહ સિસોદિયા તેના મિત્રોની સાથે કેનેડાના ટોરોન્ટો ડાઉનટાઉન ખાતેથી કારમાં મુસાફરી કરી રહ્યા હતાં. આ સમયે રોડ સાઈડની ગાર્ડ રેલ સાથે કાર અથડાતાં ચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવી દીધુ હતુ અને કારની બેટરીને ડેમેજ થતાં તુરંત જ આગ ભભુકી ઉઠી હતી. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલ 5 પૈકીના જયરાજસિંહ સહિતના 4નું ઘટના સ્થળે જ દુખઃદ નિધન થયુ હતુ.  જ્યારે ઈજાગ્રસ્ત એક યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

કેનેડા આવતા યુવાનોને જયરાજસિંહ હંમેશા મદદ કરતા હતાં

મૃતક જયરાજસિંહ સિસોદિયા બોરસદ વિસ્તારના એક ખૂબ આશાસ્પદ અને અત્યંત પ્રતિભા સંપન્ન યુવાન હતા અને તાજેતરમાં જ કેનેડા સિટીઝન થયા હતા. તેઓ અભ્યાસમાં પણ તેજસ્વી હતાં. જયરાજસિંહની વ્યવસાયિક કારકિર્દી પણ ખૂબ ઉજ્જવળ હતી. બોરસદ પંથક કે આસપાસના કે પરિચિત કોઈપણ યુવાનો કેનેડા ખાતે અભ્યાસ અર્થે જતા ત્યારે જયરાજસિંહ હંમેશા સૌના માટે જરૂરી તમામ સહાય અને માર્ગદર્શન માટે તત્પર રહેતા હતા.  નવયુવાનના આકસ્મિક નિધનથી સમગ્ર બોરસદ પંથકમાં અને સમગ્ર સમાજમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી છે.

લુણાવાડાના સગા ભાઈ-બહેનના પણ અકસ્માતમાં મોત

ટોરોન્ટોના ભયાનક અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાર ભારતીયોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓ અને અન્ય એક મહારાષ્ટ્રનો યુવક છે. બોરસદના જયરાજસિંહ સિસોદિયાનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે. કારમાં સવાર લુણાવાડાના સગા ભાઈબહેનનું પણ મોત નિપજ્યું છે. કારમાં 5 ભારતીયો સવાર હતા. જેમાંથી 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. અન્ય મૃતક યુવક મહારાષ્ટ્રનો વતની છે. તો કારમાં સવાર અન્ય એક યુવતીનો બચાવ થયો હતો. જે યુવતીનો બચાવ થયો છે, તે પણ હાલ હોસ્પિટલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં કાર ભડભડ સળગી ગઈ

ડાઉનટાઉન ટોરોન્ટોમાં ગુરુવારે વહેલી સવારે ભયાનક અકસ્માતમાં ચારના ઘટનાસ્થળે જ મોત થયાં હતા, જ્યારે કારમાં સવાર એક  યુવતી ને સળગતી કારમાંથી અન્ય કાર ડ્રાઈવર દ્વારા બહાર ખેંચી લેવામાં આવી હતી,  આ જીવલેણ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર થયો હતો. ટેસ્લા લેક શોર પર પૂર્વ તરફ ઝડપભેર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી.

અકસ્માતમાં જીવ ગુમાવનારા

  • જયરાજસિંહ સિસોદિયા (બોરસદ)
  • કેતા અને નીલરાજ સંજયસિંહ ગોહિલ (લુણાવાડા)
  • દિગ્વિજય (મહારાષ્ટ્ર )

Most Popular

To Top