પ્રતિનિધિ વડોદરા તા.25
શહેરના ડભોઇ રોડ પર વુડાના મકાનમાં ડાઇવોર્સી મહિલાના ઘરે મોડી રાત્રિના સમયે તેનો ડાઇવોર્સી પતિ ધસી ગયો હતો અને જોરશોરથી દરવાજો ખખડાવતો હતો. મહિલાએ દરવાજો ખોલતા પૂર્વ પતિએ મહિલાને તું બીજા લગ્ન કરવાની છે તેમ પુછ્યું હતુ, મહિલાએ હા પાડતા જ તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. ઘવાયેલી મહિલાને સારવાર જમનબાઇ બાદ સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેથી મહિલાએ પૂર્વ પતિ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના ડભોઇ રોડ પર આવેલા મહાનગર વુડાના મકાનમાં રહેતા હિના રમેશભાઇ ગોદડીયા 12 વર્ષ પહેલા પ્રતિક રમેશ રાઠોડ સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા અને પાંચેક વર્ષ પહેલા જ તેઓએ પતિ પ્રતિક સાથે અગમ્ય કારણોસર છુટાછેડા પણ લઈ લીધા હતા. જેથી તેઓ સંતાનો સાથે એકલા રહી જાતે કમાઇને બન્ને બાળકો પાલનપોષણ કરી રહી છે. જ્યારે તેમના પૂર્વ પતિ સામેના મકાનની સામે એકલા રહે છે. 23 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે મહિલા અને તેમના બાળકો જમી ઉંઘી ગયા હતા. દરમિયાન મોડી રાત્રીના ચાર વાગ્યાના અરસામાં મહિલાના મકાનનો દરાવાજો કોઇક ખખડાવવા લાગ્યું હતુ. જેથી મહિલા જાગીને દરવાજો ખોલી જોતા તેમના પૂર્વ પતિ પ્રતિક રાઠોડ આવ્યા હતા. તેઓએ મહિલાને મને જાણવા મળેલ છે કે તારા બીજા લગ્ન કરવાની વાત ચાલુ છે. જેથી મહિલાએ હા હું બીજા લગ્ન કરવાની છુ તેમ કહ્યું હતું. જેથી તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પૂર્વ પત્નીન પર લાકડી વડે હુમલો કર્યો હતો. બુમરાણ થતા બાળકો સહિતના લોકો જાગી જતા પૂર્વ પતિ સ્થળ પરથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલી પત્નીને સવારમાં સારવાર માટે પહેલા જમનાબાઈ બાદ ત્યાંથી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ પૂર્વ પતિ વિરુદ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.