પ્રતિનિધિ વડોદરા તા. 24
હેલ્મેટની આડમા સંતાડીને બોલેરો પિકઅપમાં લઇ જવામાં આવતા વિદેશી દારૂના જથ્થા શાથે ત્રણ આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂ, મોલેરો ગાડી, મોપેડ બાઇક, મોબાઇલ તથા હેલ્મેટ 94 મળી રૂ.10.07 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અટલાદરા પોલીસે પણ દેશી દારૂ લાવતા બે શખ્સને ઝડપી પાડ્યા હતા.
માંજલપુર પોલીસની ટીમ વિસ્તારમાં 24 ઓક્ટોબરના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી ખે એક બોલેરો પિકઅપ ગાડીમાં હેલ્મેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરીને લઇ જવામાં આવી રહ્યો છે. બોલેરો ગાડીના આગળના ભાગે એક મોપેડ તથા પાછળથી નંબર પ્લેટની વગરની બાઇક પાઇલોટિંગ કરી રહ્યા છે. જેના આધારે માંજલપુર પોલીસની ટીમે જગ્યા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને ઉભી રખાવી હતી. ત્યારબાદ ચાલક સહિતના શખ્સોને નીચે ઉતાર્યા બાદ કારમાં તપાસ કરાવી હતી. ત્યારે હેલ્મેટની બોક્સની આડમાં સંતાડી રાખેલો 4.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ, બાઇક, મોપેડ અને બોલેરો ગાડી મળી રૂ. 10.07 લાખના મુદ્દામાલ સાથે નરેશ ઉદારામ ચૌધરી (રહે. રાજસ્થાન), પરેશ જિતેન્દ્ર પટેલ (રહે. તરસાલી) તથા મુકેશ નારાયણદાસ મખીજા (રહે. તરલાસીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં અટલાદરા પોલીસે પાદરા તરફથી રિક્ષામાં દેશી દારૂ ભરીને આવતા મંદનાઝીમ રહીમમીયા શેખ (રહે. મલંગ કડીયાની ચાલ, આરવી દેસાઇ રોડ, નવાપુરા) તથા શ્યામ શ્રીરામ કહાર (રહે, કહાર મહોલ્લો શિતળામાતાના મંદીર સામે સરદાર માર્કેટની બાજુમાં નવાપુરા)ને ઝડપી પાડ્યા હતા. આ બંને જણા રિક્ષામાં દેશી દારૂ લાવીને અક્ષરચોકથી સીટી વિસ્તારમાં પ્રવેશ કરવાના હોવાની બાતમીના આધારે બેને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દારૂ, મોબાઇલ અને રિક્ષા મળી રૂ. 2.42 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.