આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારમાં તસ્કરો સક્રિય બન્યાં
પરિવાર આગળના રૂમમાં સુતુ હતુ તે સમયે તસ્કરોએ બહારથી બંધ કરી બારી વાટે રૂમમાં ઘુસ્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.23
આણંદના ખંભોળજ ગામમાં રહેતા શિક્ષક પરિવાર સાથે આગળના રૂમમાં સુતા હતાં, તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેમના મકાનને બહારથી બંધ કરી બારી વાટે બીજા રૂમમાં ઘુસી ગયાં હતાં. બાદમાં રૂમના કબાટમાં સામાન ફેંદી 6.69 લાખના દાગીના, રોકડા સહિત કુલ રૂ.7.76 લાખની મત્તા ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભોળજના ચર્ચ સામે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર પાઉલભાઈ વાણીયા વડતાલ ખાતે આરપી મિશન પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની ખંભોળજ ખાતે આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. શૈલેષકુમાર 22મી ઓક્ટોબરના રોજ સાંજના નવેક વાગ્યાની આસપાસ પરિવાર સાથે જમી પરવારી ઘરની આગળના રૂમમાં સુઇ ગયાં હતાં. બાદમા સાડા ચારેક વાગે શૈલેષકુમાર ચર્ચનો દરવાજો ખોલવા જાગ્યાં હતાં. પરંતુ ઘરની આગળ આવેલો મુખ્ય દરવાજો ખોલવા જતાં તે બહારથી બંધ હતો. જેથી તેઓ ઘરના દાદરના દરવાજાથી બહાર ગયાં હતાં. આ સમયે તેમના ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને મકાનની અંદર આવેલી બીજી રૂમનો બારીએ સળીયા કાપેલી હાલતાં હતાં. આથી, કંઇક અજુગતું લાગતા પરિવારના અન્ય સભ્યને જગાડી રૂમમાં તપાસ કરવા કહ્યું હતું. પરંતુ તે રૂમનો દરવાજો પણ અંદરથી બંધ હતો. આથી, શૈલેષભાઈ તેમની દીકરી ધરાને કપાયેલી બારીમાંથી રૂમમાં મોકલી દરવાજો ખોલાવ્યો હતો. તેઓએ રૂમમાં જઇ જોતાં ચોંકી ગયાં હતાં. રૂમમાં બધો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. રૂમની દિવાલમાં બનાવેલા ફર્નિચરના કબાટના દરવાજા ખુલ્લાં હતાં અને આ કબાટમાં મુકેલી બે સુટકેસ મળી આવી નહતીં. આ બન્ને સુટકેસમાં સોના – ચાંદીના દાગીનાં કિંમત રૂ.6,76,482 તથા રોકડા રૂ. એક લાખ મળી કુલ રૂ.7,76,482 હતાં. આમ, મધરાતે કોઇ તસ્કરોએ બારીના સળીયા કાપી ઘરમાં પ્રવેશ કરી ચોરી હતી. આ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભોળજ પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દુર જ ચોરી થઇ
ખંભોળજના ચર્ચ સામે ગોકુલધામ સોસાયટીમાં તસ્કરો 170.42 ગ્રામ એટલે કે આશરે 17 તોલા સોનાની ચોરી કરી ગયાં હતાં. આ ગોકુલધામ સોસાયટી ખંભોળજ પોલીસ મથકથી માત્ર એક કિલોમીટર દુર જ આવેલી છે. આમ, આ ચોરીથી પોલીસના પેટ્રોલીંગ પર પણ અનેક પ્રકારના સવાલ ઉભા કર્યાં છે.