વડોદરાની મહિલા અને સુરતના બે શખ્સોએ વિઝાનું કામ થઇ જશે તેમ કહી નાણા ખંખેર્યાં
(પ્રતિનિધિ) બોરસદ તા.23
બોરસદના વાસણા ગામમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં યુવકને યુકે મોકલવાના બહાને વડોદરાની મહિલા અને સુરતના બે શખ્સે મળી કુલ રૂ.22 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.
વાસણા (બો)ના અલમદિનાનગરમાં રહેતા અકરમરઝા મહંમદીમીયા મલેક તેના પિતા સાથે ટ્રાવેલ્સના કામમાં મદદરૂપ થાય છે. અકરમરઝાને 2023ના વર્ષમાં હેલ્થ કેર વીઝા ઉપર યુકે ખાતે જવાની ઇચ્છા હતી. આથી, જાન્યુઆરી-2023ના ગાળામાં મોના મોહન રજનીગમ (રહે. વડોદરા) સાથે અકરમરઝાના પિતા મહંમદમીયા મલેક તેમને મળવા વડોદરા ગયાં હતાં. જ્યાં વાતચીત દરમિયાન મોનાબહેને જણાવ્યું હતું કે, હાલમાં મારી પાસે કેનેડાના એગ્રીકલ્ચર વર્ક વીઝાનું કામ ચાલુ છે. તે પણ અંગ્રેજીની પરીક્ષા આપ્યા વગર થાય છે. જેથી વિશ્વાસ રાખી અકરમરઝાને કેનેડા ખાતે એગ્રીકલ્ચર વર્ક વિઝા માટે મોકલવાનું કામ સોંપ્યું હતું. તે પછી કેનેડા ખાતેની પીસીસી કઢાવવામાં આવી હતી. બાદમાં મોનાબહેને બે માસ પછી ફોન કરી જણાવ્યું હતું કે, કેનેડા ખાતેનું કામ નહીં થાય. પરંતુ તમે યુકેના વિઝા માટેનું કરો. જેથી 3જી માર્ચ, 2023ના રોજ ફરી મોનાના ઘરે વડોદરા ગયાં હતાં. જ્યાં યુકેના વીઝાની વાતચીતમાં બેચરલની ડિગ્રી અથવા આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડશે. જોકે, લંડનમાં ડિપ્લોમાં કર્યું છે. આથી, આઈઇએલટીએસની જરૂર નથી. તમારૂ કામ તમારી પત્ની અને બે બાળકો સાથે થઇ જશે. તેમ જણાવ્યું હતું. આથી, અકરમરઝાએ તેમની પત્ની, બે બાળકોના પાસપોર્ટ કઢાવી ફરી 16મી માર્ચ,24ના રોજ મોનાના ઘરે વડોદરા ગયાં હતાં. જ્યાં 24 લાખની ફી નક્કી કરી હતી. જો કામ ન થાય તો પરત આપવાની ખાતરી આપી હતી. આ ફિ પેટે કુલ પાંચ વર્ષના હેલ્થકેર વિઝા કરાવી આપવા ખાતરી આપી હતી.
આ વિઝા આવ્યા પછી પત્ની અને બે બાળકોના ડિપેન્ડેન્ટ વિઝા કરાવી આપવા જણાવ્યું હતું. જોકે, વિશ્વાસ આપી રૂ.22 લાખમાં કામ કરી આપવા ખાતરી આપતા કામ સોંપ્યું હતું. બાદમાં 3જી મે, 2024ના રોજ મોનાબહેને ફરી ઘરે બોલાવી રોકડા રૂ.10 લાખ આપ્યાં હતાં. બાદમાં 15મી મેના રોજ વધુ 12 લાખ રોકડા આપ્યા હતાં. આ પછી બે માસ સુધી કોઇ કામ કર્યું નહતું. જેથી અકરમરઝાએ યુકે વીએફએસમાં 14મી જૂન,2023ના રોજ પાસપોર્ટ પ્રાયોરીટી ફી ભરીને જમા કરાવેલો હોવા છતાં કોઇ જવાબ મળ્યો નહતો. આ બાબતે મોનાબહેનને પુછતા તેઓએ તમારૂ કામ થઇ જશે. તેવું આશ્વાસ આપ્યું હતું. પરંતુ મોનાબહેને ઇરાક ગયા હતા, તેનું પીસીસી માંગતાં ઇરાકનું પીસીસી કઢાવી આપ્યું હતું. આ સમયે મોનાબહેને કામ સુરત રહેતા રોનક વ્યાસ અને મીલાપ જોશીને સોંપ્યું છે. તેઓને મળવા માટે સુરત જવાની વાત કરી હતી. આથી, અકરમરઝા સુરત ગયાં હતાં. જ્યાં શીવ સ્વસ્તિક કન્સલટન્સી નામની ઓફિસ ચલાવતાં રોનક વ્યાસ અને મીલાપ જોશી નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. આ બન્ને જણાએ આશ્વાસ આપી જણાવ્યું હતું કે, તમારૂ કામ એડમીનીસ્ટ્રેટીવ રીવ્યુમાં છે. જેને ચારેક મહિના જેટલો સમય લાગશે. જો તમે પ્રોસેસ કેન્સલ કરાવશો તો તમારી 50 ટકા ફી કપાય જશે. આથી, ચારેક મહિના જેટલો સમય વિશ્વાસે બેસી રહ્તાં હતાં. આમ છતાં અકરમરઝાનું કામ ન થતાં તેઓએ મોનાબહેન સાથે વાત કરતાં તેઓ ગુસ્સે થઇ ગયા હતા. આખરે અકરમરરઝાને છેતરપિંડી થઇ હોવાનું લાગ્યું હતું. આ અંગે અકરમરઝા મલેકે બોરસદ ટાઉ પોલીસ મથકે મોનાબહેન મોહન રજનીગમ (રહે. વડોદરા), રોનક વ્યાસ (રહે. સુરત) અને મીલાપ જોશી (રહે. સુરત) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.