Vadodara

VMCની ખોરાક શાખાની ટીમ જાગી, 700 કિલો શંકાસ્પદ મરચાનો જથ્થો ઝડપાયો


લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે પાલિકા ખોરાક શાખાની લાલ આંખ


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આજે હાથીખાના વિસ્તારમાં મુખવાસ અંગે ચેકિંગમાં નીકળેલી ફૂડ ટીમને શંકાસ્પદ મરચાનો ૭૦૦ કિલોનો જથ્થો મળી આવ્યો છે. જે તાત્કાલિક અસરથી જપ્ત કરી જ્યાં સુધી નમુનાનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેચાણ કરી શકશે નહીં તે પ્રમાણેનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદની સૂચનાથી આજે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટર ની ટીમ હાથીખાના જથ્થાબંધ અનાજ કરિયાણાના બજારમાં ચેકિંગ માટે ગઈ હતી. જેમાં કલરવાળો મુખવાસ વેચાણ થઈ રહ્યો હોય તેનું ચેકિંગ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી અને હાથીખાનામાં આવેલા ચાર વેપારી જય અંબે સ્ટોર, પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચાર ફૂડ સેફ્ટી ઓફિસર અંકુર શાહ, મંગુ રાઠવા, રૂબીના શેખ અને અન્ય એક ફૂડ ઓફિસરે હાથીખાનાની ચાર દુકાનમાં ચેકિંગ કર્યું હતું. અધિકારીઓ હાથીખાના વિસ્તારમાં આ ચાર દુકાનોની અંદર સેમ્પલો તપાસી રહ્યા હતા ત્યારે મધુવન નામની દુકાનમાં ફૂડ સેફ્ટી નું લાયસન્સ અને મુખવાસની તપાસ કરી રહ્યા હતા, ત્યારે 700 કિલો લાલ મરચાનો પાવડર શંકાસ્પદ જણાતા મંગુ રાઠવાએ આ મરચાના પાવડરના પેકેટને સીલ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું જ્યાં સુધી આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ ના આવે ત્યાં સુધી આ પાવડર વેચી શકશે નહીં. મરચા પાવડર નો શંકાસ્પદ જણાતો જથ્થો ચેક કરતા કલર મેળવેલો હોય તેમ પ્રાથમિક ધોરણે દેખાઈ આવતા તમામ 700 કિલો મરચા પાવડર ને સીલ કર્યાં છે.
અધિકારીએ જણાવ્યું હતું કે અમારા ઉપરી અધિકારીએ આદેશ આપ્યા હતા કે ખોરાકમાં વપરાતા પદાર્થનો જથ્થો વધારે હોય એની ખાસ તપાસ કરવી. મધુવન નામની દુકાનમાં તપાસ કરતા મરચાનો પાવડરનો જથ્થો ચકાસતા શંકા જતા આ મરચાના પાવડરનો નમૂનો લઈ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો આ રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવશે તો આ તમામ જથ્થો નાશ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top