બે બિલ્ડર જુથોને ત્યાં દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરાના બે જાણીતા બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ત્રણ શહેરોની ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. બે થી વધુ બિલ્ડર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રીયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક દઝનથી વધુ સ્થળોએ હાલ ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઘટનાને પગલે વડોદરાના મોટા કર ચોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
વડોદરા સહિત દેશભરમાં દિપાવલી પર્વને હવે એક સપ્તાહ જેટલો જ સમય બાકી છે. ત્યારે વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જુથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જુથોનો ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે. 120 થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, દરોડામાં રીયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ પેેંસી જવા પામ્યો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે. અને તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવો તો નવાઇ નહીં. હાલ, ઇન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.