Editorial

ચીન સાથે કરાર થયો: જો કે આમ છતાં ભારતે સાવધ રહેવું પડશે

ચીન સાથે ભારતની લાંબા સમયથી લશ્કરી મડાગાંઠ ચાલી રહી હતી. આમ તો ચીન સાથે ભારતનો શત્રુતાનો જૂનો ઇતિહાસ છે. ચીન સાથે ભારતને એક પૂર્ણ કક્ષાનું યુદ્ધ  થઇ ચુક્યુ છે અને તેમાં ભારતને ઘણુ સહન કરવું પડ્યું હતું. જો કે બાદમાં સંબંધો સુધર્યા, બીજી બાજુ સમયના વહેણની સાથે ભારત પણ બળુકુ બન્યું અને હવે ચીનને  સારી એવી ટક્કર આપવાની સ્થિતિમાં છે. જો કે ચીનના ઉંબાડિયાઓ વર્ષોથી ચાલુ જ હતા, અને ૨૦૧૭માં ડોકલામમાં લશ્કરી મડાગાંઠ સર્જાઇ. તે ઉકેલાઇ તે પછી  ૨૦૨૦માં મોટો ભડકો થયો અને આજદિન સુધી પૂર્વ લડાખમાં મડાગાંઠ ચાલુ હતી. જો કે હવે આ મડાગાંઠ દૂર થાય તેવા સંકેતો કંઇક જણાયા છે. ભારતે સોમવારે  જાહેરાત કરી હતી કે પૂર્વ લડાખમાં વાસ્તવિક અંકુશ હરોળ(એલએસી) પર પેટ્રોલિંગ કરવા માટે ચીન સાથે તે એક કરાર પર પહોંચ્યું છે.  

આ કરારની જાહેરાત કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સપ્તાહોમાં બંને પક્ષો વચ્ચે થયેલી વાટાઘાટોને પગલે આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને તે  ૨૦૨૦માં ઉભા થયેલા મુદ્દાઓના ઉકેલ તરફ દોરી જઇ શકશે. વિદેશી બાબતોના મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય અને ચીની સૈનિકો સરહદી મડાગાંઠ શરૂ  થઇ તે પહેલા કરતા હતા તે રીતે પેટ્રોલિંગ ફરી શરૂ કરી શકશે અને સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

છેલ્લા ઘણા સપ્તાહોથી ભારતીય અને ચીની રાજદ્વારી  અને લશ્કરી મંત્રણાકારો વિવિધ મંચો પર એકબીજા સાથે ગાઢ સંપર્કમાં હતા એમ વિદેશ સચિવે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. આ મંત્રણાઓના પરિણામે  ભારત-ચીની સરહદી વિસ્તારોમાં વાસ્તવિક અંકુશ હરોળ પર પેટ્રોલિંગની વ્યવસ્થા બાબતે કરાર થઇ શક્યો છે, જેને પગલે સૈનિકો પાછા ખેંચવાનું શક્ય બન્યું છે અને  ૨૦૨૦માં આ વિસ્તારોમાં ઉદભવેલા મુદ્દાઓ ઉકેલી શકાયા છે એ મુજબ તેમણે જણાવતા વધુમાં કહ્યુ હતું કે આ બાબતે અમે આગામી પગલાઓ લઇ રહ્યા છીએ.

બીજી  બાજુ, એનડીટીવી સમિટ ખાતે ઇન્ટરએક્ટિવ સેસનમાં બોલતા વિદેશ મંત્રી જયશંકરે કરારને આખરી ઓપ આપવામાં આવ્યો તે બાબતને એક સારો ઘટનાક્રમ ગણાવ્યો  હતો. આ એક ઘણી ધીરજયુક્ત અને એકધારા પ્રયાસો યુક્ત મુત્સદ્દીગીરીનું પરિણામ છે એમ તેમણે જણાવ્યું હતું. મંત્રણા અંગે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે વિવિધ તબક્કે  આશા છૂટી ગઇ હતી. પણ હવે આશા રાખી શકાય છે કે ૨૦૨૦ પહેલા એલએસી પર જે શાંતિ અને સંવાદિતા હતા ત્યાં પહોંચી શકાશે. વડાપ્રધાન મોદી અને ચીની  પ્રમુખ જિનપિંગ વચ્ચે પેરિસમાં દ્વિપક્ષી મંત્રણા યોજાય તે પહેલા આ કરારની જાહેરાત કરવામાં આવી છે.

એવુ માનવામાં આવે છે કે આ કરારને પગલે હવે સૈનિકો પૂર્વ લડાખમાં અંકુશ હરોળ પરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી શકશે જે એક મોટો  વણઉકેલાયેલો મુદ્દો હતો. આ કરારને પગલે પેટ્રોલિંગની બાબતમાં અને સૈનિકો પાછા ખેંચવાની બાબતમાં આપણે ૨૦૨૦ પહેલા જે સ્થિતિ હતી ત્યાં સુધી પહોંચી શક્યા  છીએ અને આપણે કહી શકીએ છીએ કે ચીન સાથે લશ્કરી દળો પાછા ખેંચવાની પ્રક્રિયા પુરી થઇ છે.

એક પ્રશ્નના ઉત્તરમાં વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું હતું કે ૨૦૨૦  પહેલા આપણે જ્યાં પેટ્રોલિંગ કરી શકતા હતા ત્યાં પેટ્રોલિંગ કરી શકીશું. ભારતીય સૈનિકો તેમના અગાઉના વિસ્તારોમાં પૂર્વ લદાખમાં ફરીથી પેટ્રોલિંગ કરી શકશે અને સંઘર્ષના બિંદુઓ પરથી સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ છે તે સારી વાત છે. ચીન સાથે સતત તોળાતો રહેલો એક મોટો સંઘર્ષ હાલ તો ટળી ગયેલો જણાય છે. ભારત ૧૯૬૨ના પ્રમાણમાં ઘણુ બળવાન બન્યું છે છતાં ચીન સાથેનો સીધો સંઘર્ષ તેને પોસાય તેમ નથી. આટલા વર્ષોમાં ચીન પણ ઘણુ બળવાન બન્યું છે અને મહાસત્તા બનવાની લ્હાયમાં તેણે પોતાના લશ્કરને ખૂબ મજબૂત બનાવ્યું છે.

ચીન સાથેના આ કરાર પછી ભારતને જો કે હજી પણ ગાફેલ રહેવાનું પોસાય તેમ નથી. અહીં એક વાત નોંધવા જેવી છે કે ભારતે જ્યારે આ કરાર થયો હોવાની જાહેરાત સોમવારે કરી ત્યારે ચીને મૌન જાળવી રાખ્યું હતું અને બીજા દિવસે મંગળવારે એ વાતને સમર્થન આપ્યું હતુ઼ં કે પૂર્વ લડાખમાં બે લશ્કરો વચ્ચેની મડાગાંઠનો અંત લાવવા માટે ભારત સાથે તેને એક કરાર થયો છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા લીન જીઆને મંગળવારે એક મીડિયા બ્રીફિંગમાં આ સમર્થન આપ્યું હતું. લીનને ભારતે સોમવારે આ કરાર થયો હોવાની જાહેરાત કરી તે બાબતે પૂછવામાં આવતા તેમણે તેના જવાબમાં જણાવ્યું હતું કે બંને પક્ષો સંલગ્ન બાબતો પર એક ઠરાવ પર પહોંચ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે જ્યારે સોમવારે જાહેરાત કરી કે પૂર્વ લડાખમાં વાસ્તવિક અંકુશ હરોળ પર પેટ્રોલિંગના મુદ્દે તે એક કરાર પર પહોંચ્યું છે તે બાબતે ચીન તરફથી તત્કાળ કોઇ પ્રતિભાવ તો મળ્યો ન જ હતો પણ ચીની સત્તાવાર મીડિયાએ પણ ભારતની જાહેરાત અંગે કોઇ અહેવાલ આપ્યા ન હતા. નોંધપાત્ર રીતે, બંને પક્ષોએ આ કરારની પૂરી વિગતો આપી નથી. ચીન તરફથી આ સમર્થન એના પછી જ આવ્યું જ્યારે ચીની પ્રમુખ ઝી જિનપિંગ બ્રિક્સ સમિટ માટે મંગળવારે રશિયન શહેર કઝાન જવા માટે રવાના થયા. ચીનનું આ વર્તન જોતા અને તેના ભૂતકાળના કૃત્યો જોતા એવી શંકા સ્વાભાવિક જ જાય કે ચીન આ કરાર પ્રત્યે પુરતું ગંભીર રહેશે ખરું? ચીનની પ્રકૃતિ જોતા ભારતે સતત સાવધ રહેવું પડશે.

Most Popular

To Top