Vadodara

કાલુપુર રેલવે સ્ટેશન પાર્કિંગમાંથી ચોરેલી મોટરસાયકલ સાથે આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો



આજવારોડ ખાતેના વેક્સિન મેદાન નજીકથી ઝડપાયો

*પોલીસને જોઇને ભાગવાની કોશિશ તો કરી પરંતુ સફળ ન થઇ શક્યો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 22


ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાયકલની ઉઠાંતરી કરનાર ને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે આજવારોડ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ માટે અમદાવાદ રેલવે પોલીસને સોંપ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી તુવરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર. દેસાઇ તથા ક્રાઇમબ્રાન્ચની ટીમ આજવારોડ વિસ્તારમાં તાજેતરમાં બનેલા લૂંટના ગુના અનુસંધાને પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન આજવારોડ વેક્સિન મેદાનના ગેટ પાસે સામેથી એક ઇસમ મોટરસાયકલ લઇને આવતો હોઇ તે બાઇકસવાર ઇસમ પોલીસને જોતાં હીરો સ્પલેન્ડર મોટરસાયકલને ઉતાવળે યુ ટર્ન લઇ ભાગવાની કોશિશ કરતાં ક્રાઇમબ્રાન્ચની ટીમને શંકા ગઇ હતી અને આ મોટરસાયકલ સવાર ઇસમને દોડીને કોર્ડન કરી તેની પૂછપરછ કરતાં ઇસમે પોતાનું નામ જશપાલસિંગ જીવણસિંગ સીકલીગર (ઉ.વ.22) હોવાનું તથા પોતે દતનગર, ગુરુદ્વારા પાસે આજવારોડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી વાહનના કાગળ માંગતા તેણે પોતાની પાસે કોઇ કાગળ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી વધુ પૂછપરછ કરતાં તેણે આ મોટરસાયકલ ત્રણ દિવસ પહેલા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી લાવી મોટરસાયકલ પરનો રજીસ્ટ્રેશન નંબર કાઢી નાંખી વડોદરામાં ફેરવતો હોવાનું કબુલ્યું હતું. સાથે જ અગાઉ વર્ષ-2023માં હરણી ખાતેથી બુલેટ ચોરીના ગુનામાં ઝડપ્યો હતો . ત્યારે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ઇસમ જશપાલસિંગ સિકલીગરને ચોરીની મોટરસાયકલ સાથે વધુ તપાસ અર્થે અમદાવાદ રેલવે પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top