Vadodara

SSGના ઈમરજન્સી વિભાગમાં એક્સ-રે મશીન 10 દિવસથી બંધ હાલતમાં

1995થી એક્સ-રે મશીન SSGમાં કાર્યરત ,એક દિવસમાં 500થી વધારે એક્સ-રે પાડવામાં આવતા હતા



વડોદરા

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ, જ્યાં શહેર, જિલ્લા અને રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. જેમને ઘણી વખત નાની-મોટી બાબતે અવારનવાર ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આ વખતે વધુ એક વખત દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આવેલું એક્સ-રે મશીન ખરાબ થઈ જતા તે છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓને એક્સ-રે પડાવવા માટે 24 નંબરની ઓપીડીમાં જવાનો વારો આવી રહ્યો છે.

વર્ષ 1895માં 59 બેડ સાથે ડફરીન હોસ્પિટલનો પાયો નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ સમય જતા 1907માં આ હોસ્પિટલને સયાજી હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. વર્ષ 1995માં એક એક્સ-રે મશીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. આજે તેને 29 વર્ષ થઈ ગયા. 29 વર્ષમાં ધણીવાર આ એક્સ-રે મશીન બગડયું હશે પરંતુ ત્યારે કંપનીના સ્પેર પાર્ટ્સ મળી રહેતા હોવાથી તેને રિપેર કરી શકાતું હતું. પરંતુ આ મશીન 10 દિવસ અગાઉ ફરીથી બગડી જતા બંધ હાલતમાં 10 કરતા વધુ દિવસથી પડી રહ્યું છે. સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આ એક્સ-રે મશીન ઉપર રોજના 500થી વધુ એક્સ-રે પાડવામાં આવતા હતા. આ મશીન બંધ પડી જતા તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા ગંભીર દર્દીઓ અને અન્ય દર્દીઓને એક્સ-રે પડાવવા માટે SSGના 24 નંબરના વિભાગમાં જવું પડે છે. જ્યાં દર્દીઓની લાંબી લાઈનો હોવાથી એક્સ-રે પડાવવામાં કલાકો સુધી રાહ જોવી પડે છે. દર્દીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા છતા પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવતા હોવાની બૂમો ઉઠી રહી છે.
———-

Most Popular

To Top