કોંગ્રેસના અર્જુનસિંહે સામાન્ય સભામાં પુરવણી ખરીદીમાં કૌભાંડના આક્ષેપો કર્યા હતા
વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં પુરવણી અને ઉતરવહી તથા પ્રશ્નપત્રો પાછળ રૂ.૩૯ લાખનો ગોટાળો પ્રકાશમાં આવ્યો હતો. કોંગ્રેસના સદસ્ય અર્જુનસિંહે બે માસ પૂર્વે સામાન્ય સભામાં કથિત કૌભાંડ નો પર્દાફાશ કરતા જિલ્લા અધિકારીએ ત્રણ કર્મચારીઓની સમિતિ બનાવી તપાસના આદેશ કર્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ આવતા કૌભાંડ ની તપાસ કરતા ત્રણ સભ્યોની ટીમને બે મહિના કરતા વધુ સમય લાગ્યો. ગોકળગાયની ગતિએ ચાલેલી તપાસ હવે માંડ પુરી થઈ છે.
આધારભુત માહિતી મુજબ તપાસનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગના નિયામક ને મોકલી દેવામાં આવ્યો છે. નવાઈ ની વાત એ છે કે અહેવાલ અંગે એક પણ અધિકારી કાંઈ પણ બોલવા તૈયાર નથી. એક બીજાને ખો કરતા અધિકારીઓને કથિત કૌભાંડ વિશે બોલવાનું યોગ્ય લાગતું નથી. અહીં સવાલ એ છે કે તપાસમાં કુલડી માં ગોળ ભાગવામાં આવ્યો છે ? ચૂંટણી સમયે પારદર્શક વહીવટનો દાવો કરતા શાશકો અધિકારીઓ સામે લાચાર છે ? શું આને પારદર્શક વહીવટ કહેવાય ? કોઈ ગરબડ ગોટાળો થયો હોય તો તેની તપાસને જાહેર કરવાને બદલે હકીકત છુપાવવાનું કારણ શું હોઈ શકે ? અધિકારીઓ પર કોનું દબાણ હોઈ શકે ? આવા અનેક સવાલો જિલ્લા પંચાયત ના વહીવટી તંત્ર અને અધિકારીઓને છાવરતા શાશકો સામે ઉભા થાય છે.