Vadodara

મેયર પિન્કીબેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરોનો હોબાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પાલિકાની વડી કચેરીએ મેરેથોન બેઠકો યોજાઈ




વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોની બેઠક ખંડેરાવ માર્કેટ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વિકાસ સપ્તાહની હાલમાં ઉજવણી ચાલી રહી છે. તે દરમિયાન તારીખ 23મી એ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે ભારત અને સ્પેનના પ્રધાનમંત્રીની મુલાકાત પણ વડોદરા ખાતે થવા જઈ રહી છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરને શણગારવાની કામગીરી ચાલે છે તેને ધ્યાનમાં રાખી કાઉન્સિલરોના સૂચનો મેળવવા માટે વડોદરા મહાનગર પાલિકામાં મેયર પિન્કી સોની દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કાઉન્સિલરોએ વિવિધ સૂચનો કર્યા હતા ત્યારબાદ પૂરની પરિસ્થિતિ બાદ લોકોને સહાય મળી નથી તે અંગે અનેક કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી. પુરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ વિતરણનો સર્વે કેટલાક વિસ્તારોમાં નહિ થયો હોવાના મુદ્દે કાઉન્સિલર આશિષ જોશી, ધર્મેશ પટ્ટણી અને પારુલ પટેલ સહિતના કાઉન્સિલર દ્વારા રજૂઆત થઈ હતી. યોગ્ય સર્વે નહિ થયો હોવાના મામલે તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરના પાણી ફરી વળ્યા હતા, તેને આજે સવા મહિનો ઉપરનો સમય થઈ ગયો છે. તે પછી સરકાર તરફથી વેપારીઓ અને રહેઠાણ વિસ્તારને સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ સરકાર તરફથી વિવિધ વિસ્તારોમાં સહાય ચૂકવવામાં આવી રહી છે. પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જેમાં સર્વે થઈ ગયો હોય પરંતુ સહાય મળી નથી તો કેટલીક જગ્યાએ તો સર્વે થયો જ નથી જે ઝડપથી કરવામાં આવે તે જરૂરી છે.


આ વાતને લઈને બેઠકમાં ઉગ્ર રજૂઆતો, આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા. જેને લઈને અમુક કાઉન્સિલરો ચાલુ બેઠકે બહાર નીકળી ગયા હતા. આ બેઠકમાં તમામ વિસ્તારના કાઉન્સિલરો સાથે મેયર પિન્કીબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી અને અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. આ બેઠકનું મુખ્ય કારણ આવનારા દિવસોમાં પ્રધાનમંત્રીની સ્પેનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત ને લઈને વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર કેવી રીતના બનાવો જે બાબતે ચર્ચા કરવાની હોય તમામ કાઉન્સિલરો સાથે તાત્કાલિક ધોરણે બેઠક કરવામાં આવી હતી જેમાં અનેક વિસ્તારોને લઈને કાઉન્સિલરોએ ઉગ્ર રજૂઆતો કરી કેશ ડોલ અને સહાય ન મળી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા.

Most Popular

To Top