Vadodara

હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં કોટીયા પ્રોજેક્ટ્સના મુખ્ય ભાગીદાર હાજર ન થતા હાઇકોર્ટ નારાજ, લગાવી ફટકાર



નોટિસ આપ્યાના 1 મહિના સુધી કોર્ટમાં હાજર ન થતાં હાઇકોર્ટે ઝાટકણી કાઢી



વડોદરાના હરણી તળાવમાં બાળકોની બોટ પલટી જવાના બનાવમાં 12 બાળકો અને 2 શિક્ષકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ કેસમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટના 15 ભાગીદારો સહિત કુલ 18 જણા સામે બેદરકારી રાખી બાળકોના મોત નીપજાવવા બદલ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે સુઓમોટો પ્રક્રિયા હાથ ધરી હતી, જેની આજે સુનાવણી થઇ હતી. હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં કોટીયા પ્રોજેક્ટ્સના મુખ્ય ભાગીદાર હાજર ન થતા હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી.
આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મેસર્સ કોટીયા પ્રોજેક્ટ્સને પક્ષકાર બનાવી મુખ્ય ભાગીદાર પરેશ શાહને કોર્ટમાં હાજર થવા 1 મહિનાની નોટિસ આપી હતી. આમ છતાં પરેશ શાહ કોર્ટમાં હાજર ન થતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે ઝાટકણી પણ કાઢી હતી. કોટીયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારના સ્થાને જુદા જુદા ભાગીદારોની હાજરી મામલે કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે કોટીયા પ્રોજેક્ટ્સના ભાગીદારોમાં અંદરોઅંદર જે ડખ્ખા હોય અમે એમાં પાડવા માંગતા નથી. હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે તમામ પીડિતોની માહિતી મંગાવી છે. આ માટે હાઇકોર્ટે વડોદરા કલેક્ટરને 25 તારીખ સુધીમાં તમામ પીડિતોની માહિતી એકઠી કરી કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 25 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top