Editorial

યુદ્ધની વધી રહેલી સ્થિતિઓ જોતાં સોના-ચાંદીમાં ભડકે બળતા ભાવો હજુ પણ વધે તેવી સંભાવના

વિશ્વમાં જેને કિંમતી ધાતુ તરીકે ગણાવવામાં આવી છે અને જેના દાગીનાનું  વર્ષોથી મહિલાઓ માટે આકર્ષણ છે તેવા સોના અને ચાંદીના ભાવો ફરી ભડકે બળ્યા છે. સોના અને ચાંદીએ તા.16મી ઓકટો., 2024ના રોજ ફરી ભાવોની નવી સપાટી દેખાડી છે. આ વખતે ધનતેરસે સોના-ચાંદીની ખરીદી માટે લોકોએ વધારે નાણાં ચૂકવવા પડશે. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતાં સોના-ચાંદીના ભાવો મોટાભાગે વધ્યા જ છે. સોના અને ચાંદીને ગમે ત્યારે વેચીને રોકડા ઊભા કરી શકાતા હોવાથી આજે પણ લોકોનો સોના-ચાંદી પરનો ભરોસો અકબંધ રહ્યો છે.

વિશ્વમાં એક સમયે ભારત સોનાનું સૌથી મોટું આયાતકાર હતું. આજે પણ ભારતનો સોનાની આયાતમાં વિશ્વમાં પહેલો-બીજો ક્રમ ચાલતો રહે છે. સોનાની સાથે સાથે ચાંદી પણ દોડતી રહે છે. ચાંદીની પણ ડિમાન્ડ મોટી છે. ઘરેણામાં સોનાની માંગ વધારે છે પરંતુ અન્ય જરૂરીયાતોમાં ચાંદીની માંગ વધારે છે. જે રીતે વિશ્વમાં સ્થિતિઓ બદલાઈ રહી છે તે જોતાં આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવો હજુ વધે તેવી સંભાવના છે.

16મી ઓકટો.ના રોજ ઈતિહાસમાં પ્રથમ વખત સોનાનો 10 ગ્રામનો ભાવ 79 હજાર અને ચાંદીનો કિલોનો ભાવ 92 હજાર બોલાયો હતો. છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં ભારે મંદીનો માહોલ છે. આ મંદીને કારણે વિશ્વમાં વ્યાજના દરો વધતા રહ્યા છે. ભારતમાં પણ મંદીનો ભરડો છે. તેને કારણે રુપિયા ડોલર સામે તૂટી રહ્યો છે. આને કારણે સોના-ચાંદીના સ્થિર રહેલા ભાવમાં વધારો થવાની શરૂઆત હતી. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધએ પરિસ્થિતિ વધુ બગાડી હતી.

રશિયા અને યુક્રેનનું યુદ્ધ હાલમાં પણ ચાલુ જ છે. સોના-ચાંદીના ભાવો વધી જ રહ્યા હતા. ત્યાં હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધને કારણે ગમે ત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થાય તેવી સંભાવના છે. સોના-ચાંદીના ભાવો ક્રુડ ઓઈલના ભાવ સાથે સીધા જોડાયેલા છે. જો ક્રુડના ભાવો વધે તો સોના-ચાંદીના ભાવો વધે છે. કારણ કે ક્રુડ ઓઈલની સામે નાણાંની ચૂકવણી તરીકે સોનું આપવામાં આવે છે. સુરક્ષિત રોકાણ તરીકે પણ સોના-ચાંદી ગણાતા હોવાથી હાલમાં તેના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચી રહ્યા છે.

સોના-ચાંદીના ભાવોમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. સોના-ચાંદીની લોકોમાં ડિમાન્ડ વધારે છે. માત્ર સંગ્રહ કરવા માટે પણ લોકો દ્વારા સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે. તહેવારોમાં પણ સોના-ચાંદીની ખરીદી કરવાની ભારતમાં પરંપરા છે. શેરબજાર છેલ્લા કેટલાક દિવસોમાં મોટાપાયે તૂટ્યું હતું. ઉપરાંત જે રીતે વિશ્વમાં દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે તે સોના-ચાંદીના ભાવોનો હજુ પણ વધારે ઉપર લઈ જાય તેવી સંભાવના છે. આગામી એક વર્ષ સુધી સોના-ચાંદીના ભાવો વધે તેવી સંભાવના છે. સોનું એક લાખ રૂપિયા 10 ગ્રામ અને ચાંદી સવા લાખ રૂપિયે કિલો પહોંચી જાય તેવી ધારણા છે.

ભારતીયો માટે હાલમાં સોના-ચાંદીમાં રોકાણ કરવા માટેની મોટી તક છે. ભારતમાં સોનાની આયાત પર જે કસ્ટમ ડ્યુટી હતી તેમાં મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો હોવાથી બહારથી સોનાની આયાત પણ વધી છે. જોકે તેની સોનાના ભાવ પર કોઈ ખાસ અસર થઈ નથી. કારણ કે સોનાની માંગ વધારે છે. ઉપરાંત હાલમાં ગોલ્ડ લોનનો ક્રેઝ પણ વધ્યો છે. સોનું મુકીને તુરંત લોન મળતી હોવાથી અને ગીરવે મુકેલું સોનું જ્યારે છોડાવવામાં આવે ત્યારે તેના વધેલા ભાવો ચૂકવેલા વ્યાજને પણ નફા સાથે સરભર કરી આપતા હોવાથી લોકો સોનાની ખરીદી પર વધુ ભરોસો મુકી રહ્યા છે. વિદેશી રોકાણકારો પણ સોનાની ખરીદી માટે રસ દાખવી રહ્યા હોવાને કારણે સોના-ચાંદીના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

શેરબજારની વેચવાલી સોના-ચાંદી માટે લેવાલી બની છે. સોના-ચાંદી કોમોડિટી એક્સચેન્જ પર પણ વાયદા બજારમાં ખરીદી શકાતા હોવાથી મોટાપાયે લોકો તેમાં પણ સટ્ટો કરે છે. જેને કારણે પણ સોના-ચાંદીના ભાવો વધી રહ્યા છે. જે હોય તે પણ લોકો માટે સોનાનો ક્રેઝ આજે પણ અકબંધ છે અને જે રીતે ભારતમાં સોનાની ખરીદી થઈ રહી છે તે જોતાં ભારત સોનાની મૂરત બની જશે તે નક્કી છે.

Most Popular

To Top