Vadodara

વડોદરામાં શરદપૂર્ણિમાના ગરબામાં દારૂની બોટલ બનીને ઘૂમ્યા

છેલ્લે છેલ્લે શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા



શરદ પૂર્ણિમાના ઉત્સવની ઊજવણી સમગ્ર રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા જૂની કાછીયા પોળ ખાતે આવેલ શ્રીકોઠી ફળિયા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાના રાજમહેલ રોડ પર કોઠી પોળના ગરબા 50 વર્ષ જુના ગરબા કહેવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ થીમ પર લોકો ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભજન મંડળી, ડાકોર પગપાળા સંઘ જતો હોય, ભગવાન શ્રી રામ – સીતા માતા , શંકર ભગવાન, રાધા-કૃષ્ણ , ભારતીય સૈનિક, મહાકાલ બાબા, ભૂત, ડોક્ટર નવજાત બાળક સાથે તેમજ ભગવાનના અને બીજા ઘણા બધા અલગ અલગ રૂપોમાં વેશ ધારણ કર્યો હતો. એક યુવક તો દારૂની બોટલ બનીને ગરબે રમ્યો હતો. અહીં સૌ કોઈ શેરીના રહીશો ગરબા માં જોડાયા હતા અને આનંદભેર શરદપૂર્ણિમાના ગરબા ઊજવણી કરી હતી.
શ્રીકોઠી ફળિયા યુવક મંડળના યુવકે જણાવ્યું હતું કે, શ્રીકોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ઘણા વર્ષોથી શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહીં મનોરંજન સાથે લોકો રાસ ગરબા રમે છે. અહીં કોઈ શંકર ભગવાન બન્યા છે તો કોઈ છોકરાઓ છોકરીઓ બન્યા છે. ઘણા નાના છોકરાઓ રામ સીતા બન્યા છે. કોઈ આદિવાસી બન્યું છે તો કોઈ મદ્રાસી બન્યું છે. છેલ્લા બે મહિનાથી અમે આ ગરબા માટે મહેનત કરતા હોઈએ છીએ.
અન્ય સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે શરદપૂર્ણિમાએ અહીં ગરબે ઘૂમીને ખૂબ જ મજા કરીએ છીએ. વિવિધ વેષભૂષમાં અમને ગરબે રમવાની ખૂબ મજા આવે છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો ગરબે રમવા માટે આવે છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના તહેવારો પૂરા થઈ ગયા બાદ આજે શરદ પૂર્ણિમાએ ખેલૈયાઓ માટે ગરબે ઘુમવાનો એક અવસર હતો. આ અવસરે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.

Most Popular

To Top