Vadodara

અમેરિકામાં સ્ટુડન્ટ વિઝાની લાલચે રૂપિયા દોઢ લાખની છેતરપિંડી




બે વર્ષ ઉપરાંત થવા છતાં પાસપોર્ટ તથા રૂપિયા પરત આપવા આનાકાની કરતાં શક પડ્યો


*સ્ટુડન્ટ વિઝા અંગેની કોઇપણ પ્રકારની પ્રોસેસ સુધ્ધાં કરી ન હતી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 15


દશરથના યુવકે એક ખાનગી પ્રિન્ટ મિડિયામાં જાહેરખબર થકી વિદેશ યાત્રાની જાહેરાતથી સંપર્ક કરી અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર જવાના નામે રૂ 1,50,017 ની છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જે અંગેની પોલીસ ફરિયાદ છાણી પોલીસ સ્ટેશને નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ લોકો વિદેશ જવાની ઘેલછામાં લેભાગુઓનો ભોગ બની રહ્યાં છે . આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દશરથ ગામે નીલદીપ સોસાયટીમાં મ.નં 25મા રહેતા સીમીલકુમાર પોપટભાઇ પટેલ (ઉ.વ.26) નામનો યુવક અભ્યાસ સાથે સાથે જી.એસ.એફ.સી.કંપનીમાં કોન્ટ્રાક્ટમા નોકરી કરે છે. તેણે ગત ઓક્ટોબર-2022 માં એક દૈનિક અખબારમાં “લેવીસ ઇન્ટરનેશનલ” ની વિદેશમાં વિઝા મળવા માટેની જાહેરખબર વાંચી તે જાહેરખબરમાં જણાવેલા મોબાઇલ નંબર પરથી સંપર્ક કરતાં ભાવિનભાઇ પરીખ સાથે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટે વાત થઇ હતી. ભાવિન પરીખ ગત 26 ઓક્ટોબર 2022મા સીમીલના ઘરે આવ્યા હતા અને સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ માટે રૂ.1,50,000 ની માગણી કરી હતી. જેથી સીમીલે તે જ દિવસે ” લેવીસ ઇન્ટરનેશનલ” રૂ્1,25,017 તથા રૂ.25000મળીને કુલ રૂ. 1,50,017 ભાવિનભાઇના ખાતામાં જમા કરાવ્યા હતા. .ભાવિનભાઇ એ બે માસમાં સ્ટુડન્ટ વિઝા મળી જશે તેમ જણાવ્યું હતું અને પાસપોર્ટ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. પરંતુ ત્યારબાદ કોઇપણ પ્રકારની પ્રોસેસ કરી ન હતી. જેથી સીમીલભાઇએ પરત પાસપોર્ટ, ડોક્યુમેન્ટ અને નાણાં માંગતા ભાવિન પરીખ “થોડા સમયમાં તમારા સ્ટુડન્ટ વિઝા નું કામ કરી આપીશ” તેમ જણાવી ભરોસો આપ્યો હતો પરંતુ ત્યારબાદ આજદિન સુધી કોઈ પ્રોસેસ કરી ન હતી અને પૈસા, ડોક્યુમેન્ટ,પાસપોર્ટ અંગે આનાકાની કરતાં આખરે સીમીલ પટેલે ભાવિન પરીખ વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top