Vadodara

વડોદરામાં સફાઇ ઝૂંબેશ દરમિયાન નીકળેલા કુલ 61805 મેટ્રીક ટન કચરા પૈકી 26860 મેટ્રીક ટન ભીના કચરાનું બનાવાયું ખાતર…

પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો

વડોદરામાં તાજેતરમાં આવેલી પૂરની વિભિષિકા બાદ શહેરને ચોખ્ખુ ચણાક કરવા માટે મહાપાલિકા દ્વારા કરાયેલા પરિશ્રમના કેટલાક સુંદર પરિણામો પણ સામે આવ્યા છે. પૂર બાદ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશમાં નીકળેલા કચરાને પણ રિસાયકલ કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ માસમાં આવેલા પૂર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે મહાપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સફાઇ કરવામાં આવી હતી. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સફાઇ યુદ્ધને ધોરણે ચાલી હતી અને તેમાં અનેક પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, સામાન્ય રીતે પૂર બાદની સ્થિતિમાં ગંદકીના કારણે રોગચાળો પ્રસરવાની શક્યતા હોય છે. એ વાતને કેન્દ્ર સ્થાને રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 758 જેટલા વાહનો અને મશીનરીના સહાયે શહેરને ચોખ્ખુ ચણાક કરવામાં આવ્યું હતું. જેમાં 429 કલેક્શન વાન, 29 ગ્રેબ બકેટ, 25 જેટિંગ મશીન, 19 સક્શન મશીન, 5 સુપર સકર મશીન, 3 રિસાયક્લર મશીન, 96 જેસીબી મશીન, 66 ડમ્પર અને 86 ટ્રેક્ટરને સફાઇ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. સલામ તો સફાઇકર્મીઓને પણ કરવી જોઇએ. અન્ય શહેરોના મળી કુલ 4200 સ્વચ્છતાકર્મીઓ દ્વારા દિનરાત શહેરને સાફ કરવા માટે મહેનત કરવામાં આવી હતી.

Most Popular

To Top