Editorial

રતનજી ટાટાએ ફરી ભારતમાં જ જન્મ લેવો જોઇએ, તેમની વિદાયથી દરેક દેશવાસીને સ્વજન ગુમાવ્યાની લાગણી

દુનિયામાં જન્મ અને મરણએ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઇ આ દુનિયામાં અવતરે કે કોઇની વિદાય થાય તે એક સામાન્ય બાબત છે પરંતુ કેટલાક માનવી એવા હોય છે કે જેની વિદાયથી કેટલાક સમાજ કે કેટલાક લોકોને અસર થાય છે. પરંતુ ભારતમાં એવું પહેલીવાર બન્યુ હશે કે, કોઇની અંતિમ વિદાયથી દરેક દેશવાસીઓએ સ્વજન ગુમાવ્યાની લાગણીનો અનુભવ કર્યો છે. જેનું નામ છે રતનજી ટાટા. તેઓ કોણ છે તે કહેવાની જરૂર નથી કારણ કે તેમણે દેશ અને સમાના લોકો માટે જે કર્યું છે તે આજના કોમ્યુટર અને મોબાઇલના યુગમાં કોઇ કરી શકે તેમ નથી.

એટલું જ નહીં તેમના જેટલું કરી શકે તે વિચારવાની કોઇની ક્ષમતા પણ નથી. ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, અભિનેતાઓ, ખેલાડીઓ કોઇ પણ વર્ગની વાત કરીએ કોઇ તેમની તોલે આવે તેમ નથી. ઉંમર ઉંમરનું કામ કરે છે તેમ છતાં ટાટાને અંતિમ ટાટા કહેવાની હિંમત કોઇ ભારતીયમાં ન હતી તેવું કહીએ તો કંઇ જ ખોટું નથી. આવો દીકરો દરેક માતાની કૂખે જન્મે એ શક્ય નથી પરંતુ દેશના દરેક ખુણામાં એક રતનજી ટાટાનો જન્મ થાય તો ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેર’ આ ગીતની દરેક લાઇન સાચી પડે તેમ છે.

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે 1962માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી વાસ્તુકળામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 1975માં હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ કાર્યક્રમ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે ટાટા સમુહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બીજી તરફ રતન ટાટાના માતા સોની ટાટા એક ગૃહિણી હતા. રતન ટાટાની સરખામણી અન્ય ઉદ્યોગપતિ સાથે કોઇ કાળે થઇ શકે તેમ નથી કારણ કે, એક વાત તો સ્પષ્ટ છે કે આજની તારીખે દેશનો એકપણ ઉદ્યોગપતિ તેમના જેટલી સમાજસેવા કરી શકે તેમ નથી એટલું જ નહીં એ વાત પણ સ્પષ્ટ છે કે દેશનો કોઇપણ સમાજ સેવક તેમના જેટલી દેશદાઝ ધરાવતો નથી.

તેમના દેશપ્રેમની વાત સાબિત કરવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. મુંબઈમાં પાકિસ્તાનના ૧૦ આતંકવાદીઓએ ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે હુમલો કર્યો હતો ત્યારે આતંકવાદીઓ હોટેલ તાજમાં પણ ઘૂસી ગયા હતા. આ વાતની જાણ થતા તેઓ કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતા, પરંતુ અંદરથી ગોળીબાર થઈ રહ્યો હોવાથી તેમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તે સમયે એક ઇન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, “એક પણ આતંકવાદીને જીવતો ન છોડવો જોઈએ અને જો જરૂરી હોય તો આખી સંપત્તિને ઉડાવી દો.”

ત્યારબાદ જો તેમની તેમના સ્ટાફ માટેની લાગણીની વાત કરીએ તો આ હુમલામાં હોટેલ તાજના સ્ટાફને ગોળી વાગતાં કેટલાકનાં મૃત્યુ થયાં હતાં તો કેટલાકને ગંભીર ઈજા થઈ હતી. આતંકવાદીઓના આ હુમલાને લીધે હોટેલ તાજને ૪૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આમ છતાં રતન તાતા હોટેલના કર્મચારીઓના પડખે અડીખમ ઊભા રહ્યા હતા. ગોળીબારમાં મૃત્યુ પામેલા કે ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીઓને રતન તાતાએ તેમના તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટના માધ્યમથી ૩૬ લાખ રૂપિયાથી લઈને ૮૫ લાખ રૂપિયાની મદદ કરી હતી એટલું જ નહીં, હુમલામાં ઘાયલ થયેલા સ્ટાફના ખબરઅંતર પૂછવા માટે હૉસ્પિટલમાં ગયા હતા.

હુમલામાં જીવ ગુમાવનારા કર્મચારીને રતન તાતાએ એ કર્મચારીની રિટાયરમેન્ટની ઉંમર સુધી ફુલ સૅલરી આપી હતી અને તેનાં બાળકોને ક્વૉલિટી શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા પણ કરી હતી. તેમણે કરેલી ઉદ્યોગપતિ તરીકેની કામગીરીને યાદ કરીએ તોતેમણે ટાટા ગ્રુપના અધ્યક્ષ તરીકે 1991-2012 સુધી સેવા આપી હતી, 2007માં તેમણે કોરસની ખરીદી કરી હતી. 2008માં જેગુઆર અને લેન્ડ રોવરની ખરીદી કરી હતી. તેમણે જ ટાટા સ્ટીલને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું છે. ટાટા મોટર્સને અનોખી ઊંચાઇએ પહોંચાડી છે.

ટાટા કન્સલ્ટન્સિ સર્વિસની વૈશ્વિક પહોંચ પણ તેમના કારણે જ થઇ છે અને ટાટા ગ્રુપની વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો કર્યો છે. દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાને માલિક મળતા જ ન હતા પરંતુ બે વાત હતી આ દેશની એરલાઇન હતી અને તે સૌથી પહેલા ટાટા ગ્રુપે જ શરૂ કરી હતી. એટલે જ કંપની ખોટ કરી રહી છે તે જાણવા છતાં ટાટાએ એર ઇન્ડિયા માટે 18,000 કરોડની બોલી લગાવી હતી. આ સાથે સૌથી મોટી બોલી લગાવીને ટાટા ગ્રુપે ફરી એક વખત એર ઇન્ડિયાની કમાન પોતાના હાથમાં લીધી છે.

Most Popular

To Top