Comments

સોફટ બેન્કના માલિક પાસે અબજો ડોલર હાથના મેલની જેમ આવ્યા, ગયા, ફરી આવ્યા, ફરી ગયા

હમણાંના નજીકના ભૂતકાળમાં એક સમય એવો હતો કે ભારતમાં ચીનમાં અને અખાતના આરબ દેશોમાં સોફટ બેન્કનું નામ તમામ ટેક ઇન્વેસ્ટરોનાં દિલમાં વસી ગયું હતું. સોફટ બેન્ક એટલે સોફટવેરની ટેકનોલોજીમાં મૂડીરોકાણ કરનારાઓના ભંડોળની બેન્ક મૂળ કોરિયાનાં મૂડીરોકાણ કરનારાઓના ભંડોળની બેન્ક. મૂળ કોરિયાના પણ જપાનના નાગરિક બનેલા માસાયોશી સોન નામના પ્રમાણમાં યુવાન મૂડી રોકાણકારે ગલ્ફના આરબ ધનપતિઓ, રાજવીઓ અને જપાન, ચીન તેમ જ પશ્ચિમના મૂડી નિવેશકારો પાસેથી ભંડોળ એકત્ર કરી આ બેન્ક સ્થાપી હતી. સોને અગાઉ ચીનની અલીબાબા કંપનીના બ્લક શેરો ખરીદીને ઘણી કમાણી કરી હતી. પણ એણે નસીબની એવી ઊઠાપટક જોઇ કે એ રાતોરાત દુનિયાનો સૌથી ધનિક બની ગયો.

વળી પછડાયો અને વળી પાછો તવંગરોની પ્રથમ હરોળમાં આવી ગયો અને ફરીથી પટકાયો છે. એક વખત એની સોફટ બેન્ક એકસો અબજ ડોલરના મૂલ્યની બની ગઇ. સૌથી ઝડપે શ્રીમંત બનવાનું અને સૌથી ઝડપે નીચે પડનાર વ્યક્તિ તરીકેનો રેકોર્ડ એના નામે બોલે છે. જો કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ કહેવતની માફક આજે પણ એ 3200 કરોડ અમેરિકી ડોલરનો માલિક છે. કહે છે કે એની પાસેના અમુક ટેકનોલોજી શેરોની કિંમત વધી છે. તે અગાઉ એ સાવ પાયમાલ બની ગયો હતો. એણે ચીનના અલીબાબા ગ્રુપમાં શરૂઆતના દિવસોમાં બે કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.

તેનું મૂલ્ય 2014માં વધીને 75 અબજ ડોલરનું થઇ ગયું હતું. ત્યાર બાદ અલીબાબામાં સોફટ બેન્કના રોકાણનું મૂલ્ય 132 અબજ ડોલરનું થયું હતું. બીજી તરફ દિલ્હીના મધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલા આલોક સમા ભારતમાં ગણિતશાસ્ત્રની ડિગ્રી મેળવીને સ્કોલરશીપ પર અમેરિકાની પ્રસિદ્ધ વ્હાર્ટન સ્કૂલમાં ભણવા ગયા હતા. 1987માં એ મોર્ગન સ્ટેનલી બેન્કમાં જોડાયા. 23 વરસના સમા તાજા જ પરણેલા હતા. દિલ્હીની જૂની ગલીઓમાંથી નીકળી વોલ સ્ટ્રીટને મુખ્ય બેન્કમાં મહત્ત્વનો હોદ્દો મળ્યો. પણ હજી તો એમણે ઘણું જોવાનું બાકી હતું.

આ સદીના પ્રારંભથી જ ટેકનોલોજીની કંપનીઓની બોલબાલા શરૂ થઇ હતી. સિલિકોન પેલીની કંપનીઓ શેર બજારમાં છવાઈ ગઇ હતી. 2014માં ગુગલ કંપનીના બિઝનેસ ચીફ નિકેશ અરોરાના પુત્રના ઇટાલીની એક ભવ્ય સિકસ સ્ટાર રિસોર્ટમાં લગ્ન યોજાયા હતા. મહેમાનોએ પાણી કરતાં અનેકગણી મોંઘી શરાબ પીધી હતી જે એક સમયે રાજામહારાજાઓને  ઉપલબ્ધ હતી. આલોક સમા એ લગ્નમાં હાજર હતા. સમાએ જોયું કે ટેકનોલોજી ઉદ્યોગના દુનિયાના ધુરંધરો મહેમાનો બનીને આવ્યા હતા.

ગૂગલના ચીફ એક્ઝિકયુટીવ હતા, ડોઇશે બેન્કના પ્રમુખ હતા, ભારતના કેટલાક ઉદ્યોગપતિઓ હતા. પણ બધા એક વ્યક્તિનું અલગ રીતે અભિવાદન કરતા હતા. જપાનની શૈલીમાં નમન કરીને બદલામાં એ મહેમાન સ્મિત ફરકાવતા હતા. ત્યાં સુધી કે હોલીવુડના સેલિબ્રેટિડ કલાકારે શખ્સ સામે લળી લળીને શિર ઝૂકાવતા હતા. આ લોકો સમા વિચારમાં પડી ગયા કે આ શખ્સ કોણ હશે? જાણવામાં આવ્યું કે એ જાપાનનો ટેકનોલોજી ઉદ્યોગનો મોટો મૂડી રોકાણકાર માસાયોશી સોન છે, જે માસાના ટૂંકા નામથી ઓળખાતો હતો.

ટેકનોલોજી સેકટરમાં દુનિયામાં સૌથી મોટું મૂડીરોકાણ કરનારા સોફટ બેન્કનો એ સ્થાપક હતો. હર્ષદ મહેતાની ઘટનાની માફક માસાની પાછળ પાછળ ઘણાએ ટેક કંપનીઓમાં રોકાણો કર્યાં હતાં, જેમાંના ઘણાં જોખમી હતાં. ઊગતી કે અર્ધ ખીલેલી કંપનીઓમાં રળતર મળશે જ એવી કોઇ પાકી ખાતરી ન હતી. આડેધડ રોકાણ કરવાથી માસાને અઢળક ફાયદો પણ મળ્યો હતો. ચીનની એમેઝોન સરખી ગણાતી અલીબાબા કંપનીની શરૂઆતમાં માસાએ તેમાં બે કરોડ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું હતું તે એ લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે, 2014માં પચાસ અબજ ડોલરના મૂલ્યનું થઇ ગયું હતું.

મહત્ત્વાકાંક્ષીઓ નવા નવા ટેકનોલોજી આધારિત ધંધાઓની કલ્પના કરી તેને અમલમાં મૂકતા હતા. ઉબેર અને ઓલામાંથી ઘણાએ પ્રેરણા લીધી હતી. કહેવાય છે કે ઇલોન મસ્કએ દુનિયામાં સૌથી વધુ ઝડપથી પૈસા મેળવ્યા હતા અને તેમાંનો એક મોટો હિસ્સો સૌથી ઝડપથી ગુમાવ્યો. બીજા અમુક ઉદ્યોગપતિઓએ ટૂંકા ગાળામાં મોટી ખોટ કરી છે, પણ હાલમાં સૌથી વધુ ઝડપે પૈસા બનાવ્યા અને સૌથી વધુ ઝડપે સૌથી વધુ પૈસા ગુમાવ્યા. વળી પાછા ઝડપભેર ખૂબ પૈસા બનાવ્યા અને વળી પાછા ઝડપથી ગુમાવ્યા તેમાં અવ્વલ ક્રમ માસાનો છે.

એ લગ્ન વખતે માસા અને સમાની ઓળખાણ થઇ. માસાએ સમાને પોતાની સોફટ બેન્કમાં જોડાવાનું આમંત્રણ આપ્યું જે સમાએ સ્વીકાર્યું. પ્રારંભમાં આલોક સમા માસાના ઇન-હાઉસ મર્જર અને એક્વિઝિશનના બેન્કીંગને લગતાં કામકાજો સંભાળતાં થયાં અને માસાના જમણા હાથ સમાન બની ગયા. ત્યાર બાદ સમા સોફટ બેન્કના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અને બાદમાં સોફટ બેન્કના પ્રમુખ બન્યા. માસા વિષે આલોક સમા કહે છે કે માસા એક દૂરંદેશ જિનિયસ છે. એ એમ માનતા કે પોતે દુનિયાને બદલી શકશે. પરંતુ માસામાં અમુક ખામીઓ પણ હતી. તેમાંની એક હતી, વધુ પડતું અભિમાન.

સમા જયારે વોલ સ્ટ્રીટની મોર્ગન સ્ટેનલી બેન્કમાં જોડાયા ત્યારે આસપાસના તમામ લોકો આઈવીલીગની કોલેજોમાંથી ભણેલા હતા. સમાને પ્રથમ વરસે એક લાખ નેવું હજાર ડોલરનું બોનસ મળ્યું. આટલા પૈસા એમણે જિંદગીમાં કયારેય જોયા ન હતા. એ કહે છે કે એટલા પૈસા તો એમની દસ પેઢી મળીને કમાઈ નહીં હોય. 1994માં એ ત્રીસ વરસના હતા ત્યારે મોર્ગન સ્ટેનલીએ એમને ભારતમાં બિઝનેસ સેટ કરવા માટે મોકલ્યા. 33 વરસની ઉંમરે મેનેજિંગ ડિરેકટર બન્યા.  ત્યાર બાદ બેન્કે એમને ઇંગ્લેન્ડ મોકલ્યા, જયાં એ વરસનાં અનેક વીસુ ડોલર કમાતા હતા. બાદમાં એ સોફટ બેન્કમાં જોડાયા. થોડા વખતમાં તો ઝડપભેર ટેક કંપનીઓ સાથે ડીલ્સ અને વહેવારો કરવા માંડયા. સોફટ બેન્કના ગલ્ફસ્ટ્રીમ જેટ વિમાનમાં એ દુનિયાભરમાં મિટિંગો એટેન્ડ કરવા માંડયા.

એ કહે છે, મને લાગતું હતું કે હું સ્વપ્નમાં જીવી રહ્યો છું. જપાનમાં એ માસાના વૈભવી ગાર્ડન કીચનમાં જમવા બેસતા, જયાં પાંચ હજાર ડોલરની બોટલનો વાઈન પીરસવામાં આવતો હતો. પણ આલોક સમાને અતિ વૈભવ માફક આવતો ન હતો. એમની પત્ની માયા પણ ખૂબ ભણેલાં છે અને ધનસંપત્તિનો દેખાડો કરવાથી દૂર રહે છે. આલોક સમાને યાદ છે કે માસાના એ રસોડામાં ફેસબૂકના માલિકે માર્ક ઝૂકરબર્ગ જમવા આવ્યા ત્યારે ઝૂકરબર્ગે અસાધારણ વાતો કરી હતી. તે મુજબ એક આખું વરસ ઝૂકરબર્ગે પોતાના હાથે મારી નાખેલા પ્રાણીનું જ માંસ ખાધું હતું. એક રેસ્ટરાંમાં એણે પોતાના ખુલ્લા હાથો વડે મરઘીની કતલ કરી હતી.

અમેરિકામાં એક જંગલી આખલા (બાયસન)નો શિકાર કર્યો હતો અને આખલાનું માથું મસાલો ભરાવીને ત્યારની ફેસબુક કંપનીની એક મહત્ત્વની ઓફિસર શેરીલ સેન્ડ બર્ગની ઓફિસમાં ટ્રોફી તરીકે ગોઠવ્યું હતું. ઝુકરબર્ગની આવી વાતો સાંભળીને ત્યાં હાજર બીજાં બધાં હસતાં હતાં, પણ સિલિકોનના સમૃદ્ધ લોકોની આ પ્રકારની શેખી સાંભળીને આલોક વ્યથિત થયા હતા અને તેઓ પ્રત્યે અભિભૂત થવું તે વધારે પડતું સન્માન આપવા બરોબર છે. આલોક સમાએ આ બધી વિગતો પોતાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ધ મની ટ્રેપમાં લખી છે.

માસા સોનની વાત પર પાછા ફરીએ. નેવુંના દશકામાં એમે યાહૂના શેરોમાં દસ કરોડ ડોલર રોકયા હતા તે માત્ર ત્રણ વરસમાં વધીને 30 અબજ ડોલરના થઇ ગયા ત્યારથી માસાનું નામ જાણીતું બન્યું હતું. વરસ બે હજારમાં ડોટકોમ કંપનીઓનો ફુગ્ગો ફૂટી ગયો. તે અગાઉ માસા સોન દુનિયાનો સૌથી તવંગર માણસ હતો. પણ ફુગ્ગો ફૂટવાની સાથે માસાના શેરોનું મૂલ્ય તળિયે જતું રહ્યું. વરસ બે હજારમાં એણે અલીબાબાના શેર્સ ખરીદી રાખ્યા હતા. ચીનનો આર્થિક વિકાસ ઝડપી બન્યો તે સાથે અલીબાબાના શેર્સ પણ ઊંચે ગયા. ત્યારથી માસા જનિયસ તરીકે ઓળખાવા લાગ્યો. પરંતુ 2016માં માસા અને સમાએ મળીને બ્રિટનની આર્મકંપની 24 અબજ ત્રીસ કરોડ પાઉન્ડમાં ખરીદી. ટેકનોલોજીમાં ચીપ્સની મોટી ડિમાન્ડ રહેશે એ ધારણાને આધારે આ ચીપ બનાવતી કંપની ખરીદી હતી.

એ દરમિયાન માસાને હોટ ગણાતી નવી નવી ટેક કંપનીઓ ખરીદવાની ચાનક ઊપડી અને તે ખરીદવા માટે એણે એકસો અબજ અમેરિકી ડોલરનું વિઝન ફંડ ખોલ્યું. દુનિયાના ધનકુબેરો અને અખાતના રાજારાજવીઓએ એ ફંડમાં પૈસા રોકયા. પરંતુ ફંડ ખોલ્યું.  પરંતુ એ ફંડના જ નાણાં કઇ કંપનીમાં રોકવાથી ફાયદો થશે તે કોઇ જાણતું ન હતું. સોફટ બેન્કના વિઝન ફંડમાં સાઉદી અરેબિયાના પાટલીકુંવર મોહમ્મદ બિન સલમાન માસા સાથેની 45 મિનિટની વાતચીત બાદ 45 અબજ ડોલર રોકવા તૈયાર થયા. એક મિનિટમાં એક અબજ ડોલર દુબાઈના પાટવી કુંવરે 15 અબજ ડોલર ફંડમાં જમા કરાવ્યા. એપલ કંપની વગેરેએ પૈસા રોકયા.

ત્યાર બાદ વીવર્ક જેવી અનેક કંપનીઓના કામકાજ ચાલ્યા નહીં. શેર્સની કિંમતો ગગડી ગઇ. 2023માં વીવર્ક કંપનીએ નાદારી જાહેર કરી. પીત્ઝા બનાવવા માટેના રોબોટ તૈયાર કરવા માટેની ઝુમી કંપની, કૂતરાની ભાળ મેળવવા માટેની વેગ જેવી ફેન્સી કંપનીઓમાં ફંડના નાણાં રોકયા હતા એ બધા ડૂબી ગયા. માસા અનેક વિવાદો, આક્ષેપો અને કાવતરાંઓમાં ભેરવાઈ પડયો. ગયા વરશે સોફટબેન્કે 32 ડોલર ગુમાવ્યા. પરંતુ હવે એનવિદિયા અને ચેટજીપીટી જેવી કંપનીઓના શેર્સ ફરીથી ઊછળ્યા છે. તેની સાથે હાલમાં ગરીબ બની ગયેલો માસા ફરીથી ઉછાળા મારવા લાગ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top