પ્રતિનિધિ વડોદરા તા.13
પરપ્રાંતિય નરાધમો દ્વારા સગીરા પર ગુજારાયેલા ગેંગરેપ બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. માંજલપુર વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા પરપ્રાંતીયોની ચકાસણી કરવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું. જેમાં 64 મકાનો તથા 176 શંકાસ્પદ લોકોને ચેક કરાયા હતા. બે વાહન ડીટેઇન કરી ત્રણ વિરુદ્ધ પ્રોહીબેશનના કેસ કર્યા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના પાંચ જેટલા શખ્સો તાંદલજા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા હતા. ભાડુઆત નરાધમોએ ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી 16 વર્ષીય સગીરા પર ગેંગરેપ ગુજાર્યો હતો. જેથી પોલીસે સામુહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેથી પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં મકાન ભાડે રાખી રહેતા પરપ્રાંતીય ભાડુઆતોની ચકાસણી કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવતી વિશ્વામિત્રી પોલીસ ચોકી વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રહેતા હોય ભાડુઆતોની ચકાસણી કરવા કોમ્બિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ક્રાઈમ બ્રાંચની ટીમ અને ઝોન-૩ એલસીબીની ટીમો કામગીરીમાં જોડાઈ હતી. પોલીસે કોમ્બીંગ દરમ્યાન 64 મકાનો અને 176 લોકોને ચેક, મકાન ભાડાના બીએનએસ મુજબના 5, વાહન ચેક કર્યા હતા. જ્યારે પોલીસે બે વાહન ડીટેઇન કરી ત્રણ પ્રોહીબીશનના કેસ કર્યા હતા.