મોંઘવારીની અસર આ દશેરાએ ફાફડા જલેબીના ભાવોમાં પણ જોવા મળશે
ફરસાણની દુકાનોમાં પાંચ દિવસ અગાઉથી જ ફાફડા જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે..
શારદીય નવરાત્રી નો આજે નવમો દિવસ છે આજે નવમા દિવસ બાદ નવરાત્રી સમાપ્ત થશે. આવતીકાલે વિજયાદશમી દશેરાનો પર્વ છે જેની સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા ઉજવણી કરવામાં આવશે. રામ ભગવાને રાવણ વધ સાથે જ શ્રીલંકા વિજય બાદ અયોધ્યા પરત આવ્યા હતા ત્યારથી વિજયાદશમી વિજયોત્સવ મનાવવામાં આવે છે.સામાન્ય રીતે દરેક જગ્યાએ અલગ અલગ રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે સાથે જ શશસ્ત્ર પૂજા, વાહનોની પૂજા કરવામાં આવે છે ત્યારે આપણા ગુજરાતમાં આ તમામ ઉત્સવો સાથે સાથે ફાફડા જલેબી ખાવાનું પણ એક ચલણ જોવા મળે છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી લોકો આ દિવસે આરોગી જાય છે.
આવતીકાલે દશેરાને લઇને શહેરના વિવિધ મિઠાઇ-ફરસાણની દુકાનોમાં કારીગરો દ્વારા પાંચ દિવસ અગાઉથી જ ફાફડા બનાવવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ વર્ષે મોંઘવારી ની અસર ફાફડા જલેબી પર પણ જોવા મળશે. આ વર્ષે ફાફડાનો ભાવ પ્રતિ કિલોએ 500ની આસપાસ છે જ્યારે શુધ્ધ ઘીમાંથી બનેલી જલેબીનો ભાવ રૂપિયા 540 પ્રતિકિલો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ ખાધ્યતેલના ભાવમાં વધારો, બેસન, મજૂરી મોંઘા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
આ વર્ષે ફાફડા જલેબીના ભાવો
(પ્રતિકિલો)
ફાફડા રૂ.420 થી રૂ440
જલેબી. રૂ. 230 થી 250
(તેલમાં)
જલેબી રૂ.540 થી 560
(શુધ્ધ ઘીમાં)
આ વર્ષે દરેક રોમટિરિયલ મજૂરી મોંઘી હોવાથી ભાવમાં વધારો
આ વર્ષે સરકારે ખાધ્યતેલના ભાવ ડ્યૂટીમામાં વધારો કરતાં તેલ મોંઘું છે, ચણાનો લોટ, શુધ્ધ ઘી સહિતના ભાવોમાં વધારો છે બીજી તરફ કારીગરોની મજૂરી પણ વધી છે ટ્રાન્સપોર્ટેશન મોંઘું છે જેના કારણે આ વર્ષે દશેરા પર્વે ફાફડા જલેબી સહિતના ફરસાણમા વધારો જોવા મળી શકે છે.
-દિપકભાઇ શાહ-ક્રિશ્ના સ્વિટ્સ,
ગમે તેટલા ભાવ વધી પરંતુ આપણા ગુજરાતીઓને ફાફડા જલેબી વિના ન ચાલે..
આ વર્ષે ફાફડા જલેબીના ભાવો પાછલા વર્ષો કરતાં વધ્યા છે પરંતુ એનાથી આપણા ગુજરાતીઓને ઝાઝો ફર્ક નથી પડવાનો કારણ કે દશેરા પર્વે જે ચલણ છે એ તો રહેવાનું જ છે હા વધારે લેતા હતા ત્યાં થોડું ઓછું લઇશુ પરંતુ ફાફડા જલેબી તો જોઇશે જ. આ તો આપણી આગવી ઓળખ છે દશેરાએ અને તે પરંપરા તો જળવાઇ રહેવાની છે.અમે તો આણંદ થી વડોદરા ખાસ દશેરાના ફાફડા જલેબીની લહેજત સાથે ગરબા માણવા આવીએ છીએ.
-અપેક્ષા (રિંકુ) પંડ્યા શુકલ-સ્થાનિક મહિલા