Vadodara

ગેંગ રેપના આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર

રીઢા આરોપીઓએ બે દિવસ પોલીસના રિમાન્ડમાં પોલીસને ગોળ ગોળ ફેરવી

પ્રતિનિધિ વડોદરા તા 10

ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ ના ગુનામાં પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પુરા થતા પોલીસે પાંચ આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 14 ઓક્ટોબર સુધીના એટલે કે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં 16 વર્ષીય સગીરા બેઠી હતી. તે દરમિયાન બે બાઈક પર પાંચ વિધર્મી સગીરા પાસે આવ્યા હતા જેમાંથી બે જણા તો નીકળી ગયા હતા પરંતુ અન્ય ત્રણ વિધર્મી એ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર વારાફરથી સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ ચકચારી સગીરા ગેંગરેપના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા મુમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર બનજારા શાહરૂખ કિસ્મત અલી બનજારા સેફ અલી મહેંદી હસન બનજારા તથા અજમલ સત્તાર બનજારાને ઝડપી પાડી જિલ્લા પોલીસને સોંપ્યા હતા. ગેંગરેપ કેસની તપાસ માટે એસઆઇટીની ટીમ રચાઈ હતી. ડીવાયએસપી બીએચ ચાવડાના સુપરવિઝન હેઠળની ટીમે પાંચ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બે દિવસના રિમાન્ડ દરમિયાન રિમાન્ડના મુદ્દા પર પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ આરોપીઓ ઘણા રીઢા બનેલા હોય તપાસમાં કોઈ સહકાર આપતા નથી અને ગોળ ગોળ જવાબ આપી રિમાન્ડનો સમય પસાર કર્યો હતો. દરમિયાન ગુરૂવારને 10 ઓક્ટોબરના રોજ ગેંગરેપના આરોપીના રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરી જિલ્લા પોલીસે સાત દિવસના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ આરોપીઓને પૂછપરછ તથા મુદ્દામાલ રિકર કરવા માટે મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓને બે દિવસના રિમાન્ડ દરમિયાન ઘટના બાદ ક્યાં ક્યાં ફર્યા હતા ત્યાં લઈ ગયા હતા ઉપરાંત મોબાઇલ અને સીમકાર્ડ તોડીને ત્યાં ફેંક્યા હતા ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ આરોપીઓ રીઢા હોય પોલીસને ગોળ ગોળ ફેરવવામાં માહેર એવું લાગી રહ્યું છે.

Most Popular

To Top