Vadodara

LVP ગરબામાંથી અમેરિકન નાગરિક બાળકીને બાઉન્સરે હાથ પકડીને બહાર કાઢી મૂકી

સિક્યોરિટીએ કરેલી ઝપાઝપીમાં બાળકીને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઇ, આ બનાવ અંગે રાવપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બાળકીના પિતાએ અમેરિકન એમ્બેસીમાં ફરિયાદ કરી



દેશ દુનિયા સહિત ગુજરાત, વડોદરામાં હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. લોકો ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં લક્ષ્‍મી વિલાસ પેલેસ ગરબામાં માતા-પિતા સાથે ગરબે ઘૂમતી 8 વર્ષની અમેરિકન સિટીઝનશીપ ધરાવતી બાળકીને સિક્યોરિટી જવાનોએ હાથ પકડીને બહાર કાઢતા વિવાદ થયો છે.
સિક્યોરિટીએ કરેલી ઝપાઝપીમાં બાળકીને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બાળકીના પિતાએ અમેરિકન એમ્બેસીમાં ફરિયાદ કરી છે.
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે શહેરના વાસણા ભાયલી રોડ ઉપર રહેતા દંપતી અને તેમની 8 વર્ષની અમેરિકન સિટિઝનશિપ ધરાવતી દીકરી 7 ઓક્ટોબરે LVPમાં ગરબા રમવા માટે ગયાં હતાં. ગરબા આયોજકોએ સુરક્ષાના ભાગરૂપે ત્રણ જગ્યાએ ચેકિંગ કર્યા બાદ તેમને ગરબા મેદાનમાં પ્રવેશ આપ્યો હતો.

દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, LVP ગરબા ગ્રાઉન્ડમાં હું મારી પત્ની અને મારી 8 વર્ષની NRI દીકરી ગરબા રમવા માટે ગયાં હતાં. પરંતુ LVPના સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા મારી દીકરીને ગરબા મેદાનમાંથી હાથ ખેંચીને બહાર કાઢી મૂકવામાં આવતા મારી દીકરી હેબતાઈ ગઈ હતી અને રડવાનું શરૂ કરી દીધું હતું. પોતાની દીકરી સાથે થયેલા વર્તન અંગે ભાવુક થઈ ગયેલા દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાવપુરા પોલીસ મથકમાં અરજી આપવા છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આથી મારે USA એમ્બેસીમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે.

દીકરી સાથે થયેલા આ વ્યવહાર અંગે ભાવુક થઈ પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી એટલી ગભરાઇ ગઇ છે કે, તે હવે ગરબા રમવા માટે તૈયાર નથી. LVPના ગરબા કાયમી ધોરણે બંધ થવા જોઈએ.

Most Popular

To Top