Vadodara

વડોદરા: તરસાલીમાં ચોરી કરવા આવેલા બે શંકાસ્પદ શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

પ્રતિનિધિ વડોદરા તા.8

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોરી કરવા માટે આવેલા બે શંકાસ્પદ શખ્સોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યા બાદ બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને સુપરત કર્યા હતા. બંને શખસો પાસેથી ચોરી કરવાના કુહાડી, હથોડી અને પક્કડ સહિતનો સામાન પણ કબજે કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી મોડી રાતના તસ્કર ટોળકી આવતી હોવાની દહેશતના કારણે લોકોને પણ રાત ઉજાગરા કરવાનો વારો આવી રહ્યો છે. પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા પણ લોકોની માંગ ઉઠી છે.
વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કર ટોળકી રાત્રિના સમયે ઇકો કારમાં આવતી હોવાની દહેશતના કારણે લોકોને રાત્રિના મોડે સુધી ઉજાગરા કરવા પડી રહ્યા છે. આ ચોર ટોળકી હથિયારો સાથે ઘસી આવી ચોરીને અંજામ આપતી હોય છે ઘરમાં લોકો હાજર હોય તો પણ બીના ડરે ઘુસી આવે છે અને સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ જાય છે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં લોકો પોતાના ઘર તથા પરિવારની રક્ષા કરવા માટે મોડે સુધી જાગતા હોય છે. જો ઘરમાંથી કોઈ વસ્તુ ના મળે તો ઘરવખરી સહિત હાજર લોકો હોય તો તેમને પણ નુકસાન પહોંચાડતા ટોળકી ખચકાતી નથી. ત્યારે શહેરના તરસાલી વિસ્તારમાં રાત્રિના સમયે લોકો ગરબા જોવા કે રમવા માટે ગયા હતા તે દરમિયાન બે તસ્કર ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ લોકોએ આ બંને તસ્કરોને ઝડપી પાડ્યા બાદ મેથીપાક ચખાડીને પોલીસને જાણ કરી હતી. જેથી મકરપુરા પોલીસ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી જેથી લોકોએ અધમુઆ કરી દીધેલા બંને ચોરને પોલીસને સોંપ્યા હતા. તેમની પાસેથી ચોરી કરવા માટે લાવેલા કુહાડી, હથોડી અને પકડ સહિતનો સામાન પણ કબજે કરાયો હતો. બીજી તરફ ચોરીની વધતી ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંંગ વધુ સઘન બનાવવા માંગ ઉઠી છે.

Most Popular

To Top