Charotar

આણંદમાં ટી-સ્કવેર હોસ્પિટલના માલિકે 3.96 કરોડની ઠગાઇ કરી

આણંદમાં કોરોના કાળમાં સખાવત કરનારા એનઆરઆઈએ કરોડોની છેતરપિંડી આચરી

આણંદના લેફ્ટ. કર્નલ ડોક્ટરે એનઆરઆઈ પરિવાર સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ આપી

(પ્રતિનિધિ) આણંદ તા.7

આણંદ શહેરમાં કોરોના કાળમાં સખાવતો અને વિવિધ કાર્યક્રમો થકી ટુંકા ગાળામાં મોટું નામ કરનાર તનુજ પટેલે તેની જ હોસ્પિટલના ભાગીદાર લેફ્ટ. કર્નલ ડોક્ટરને રૂ.3.96 કરોડનો ચુનો ચોપડ્યો છે. આ અંગે લેફ્ટ. કર્નલ ડોક્ટરે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં તનુજ ઉપરાંત તેમના પત્ની અને પિતા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના જીટોડિયા રોડ પર વિશ્રુત પાર્કમાં રહેતા લેફ્ટ. કર્નલ ડો. રોહન જમનભાઈ હરસોડા હાલ વાપીની સેલ્બી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો. રોહન વર્ષ 2008થી વર્ષ 2022 સુધી ભારતીય સેનામાં મેડિકલ વિભાગમાં ડોક્ટર તરીકેની સેવાઓ આપી 25મી મે, 2022ના રોજ નિવૃત્ત થયાં હતાં. ડો. રોહન અને તનુજ જયેન્દ્રકુમાર પટેલ (રહે. આર્યનગર સોસાયટી, આણંદ, હાલ રહે. અમેરિકા) નાનપણથી એક સાથે અભ્યાસ કરતાં હોવાથી ગાઢ મિત્રતા હતી. આ દરમિયાન વર્ષ 2017માં તનુજ પટેલ સાથે વાતચીત દરમિયાન ભાગીદારીમાં અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ ચાલુ કરવા માટેની ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ તેઓએ સહમત થઇ ‘ટી સ્કવેર’ બ્રાન્ડ બનાવી ચાર કંપની સ્થાપીત કરી હતી. તેમાં ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી., ટી-સ્કવેર ફાર્મસી પ્રા. લી., ટી – સ્કવેર હેલ્થકેર પ્રા. લી. અને ટી – સ્કવેર ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ પ્રા. લી.ની કંપનીઓ રજીસ્ટ્રેશન કરાવી હતી. આ ચાર કંપની પૈકી ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી. કંપનીમાં ડો. રોહનના પત્ની ડો. જુલીબહેન પણ 50 ટકાના ભાગીદાર તથા તનુજ પટેલનો 50 ટકાનો ભાગ હતો. બાકીની ત્રણ કંપનીમાં તનુજ પટેલ 50 ટકા તથા ડો. રોહનના 50 ટકા નક્કી કરાયો હતો. જોકે, કંપનીઓનો વહીવટી તેમજ નાણાકિય લેવડ દેવડનું કામકાજ તનુજ પટેલ કરશે. તેવું નક્કી કરાયું હતુ. જ્યારે ડો. રોહન, તેમના પત્ની ડો. જુલી મેડિકલને લગતું કામકાજ કરશે. બાદમાં તેઓએ નાની ખોડિયાર મંદિર પાસે ટી-સ્કવેર હોસ્પિટલ બનાવી હતી. જે ઓગષ્ટ-2020ના કાર્યરત થઇ હતી. આ સમયે ડો. રોહન ભારતીય સેનામાં ફરજ પર હોવાથી હોસ્પિટલમાં ખાસ ધ્યાન આપતાં નહતાં. પરંતુ 25મી મે, 2022ના રોજ નિવૃત્ત થતાં તનુજ પટેલ સાથે હિસાબોની ચર્ચા કરી હતી. આ સમયે તનુજે ‘તું ચિંતા ના કરીશ. હોસ્પિટલ બરાબર ચાલે છે અને હું નિરાંતે બધો હિસાબ આપીશ.’ તેમ જણાવ્યું હતું. આમ, વિશ્વાસ રાખ્યો હતો. પરંતુ થોડા સમય બાદ જાણવા મળ્યું હતું કે, તનુજ પટેલે કંપનીના નિયમ મુજબ ભરવાના થતા અલગ અલગ ટેક્સ ભર્યા નથી અને તેની ઉઘરાણીઓ થવા લાગી છે. આ બાબતે તનુજ પટેલ સાથે ચર્ચા કરવા માટે જણાવતાં તે યોગ્ય જવાબ આપતો નહતો. આખરે સને – 2022ના જૂન માસથી સને- 2023 જૂન માસ દરમિયાન મહત્તમ સમય તે અમેરિકામાં જ રહ્યાં હતાં. જે બાદ જૂન-2023ના રોજ રૂબરૂ મળી ચર્ચા કરતાં તેણે જણાવ્યું હતું કે, તારે જે હિસાબના પૈસા લેવાના નિકળતા હશે તે હું તને એક વર્ષની અંદર ચુકવી આપીશું. તું ચિંતા ના કરીશ. જેથી ડો. રોહન નિશ્ચિંત બની ગયાં હતાં. બીજી તરફ ચાલુ વર્ષના માર્ચ માસમાં હોસ્પિટલથી વિવિધ લોન ચાલુ હોય જે લોનના હપ્તા છેલ્લા ત્રણ માસથી ચુકવ્યાં ન હોવાથી કંપનીઓ દ્વારા ઉઘરાણી શરૂ થઇ ગઇ હતી. આ બાબતે તનુજ પટેલનો સંપર્ક કરતાં તેણે કોઇ જવાબ આપ્યો નહતો. આથી, ડો. રોહન હોસ્પિટલ પહોંચી તપાસ કરતાં તનુજ પટેલ તથા તેમના પરિવારજનો ચાલુ વર્ષના જાન્યુઆરી માસથી અમેરિકા જતાં રહ્યાં હતાં.

આથી, ડો. રોહન, ડો. જુલીબહેનએ ટી-સ્કવેર હોસ્પિટલ, ટી-સ્કવેર ફાર્મસી કંપનીના ડાયરેક્ટર કુલદીપસિંહ દશરથસિંહ સોલંકી (રહે. આદર્શ કોલોની, આણંદ)એ હોસ્પિટલના બિલ્ડીંગના કબાટમાં રાખેલા રેકર્ડ તેમજ હોસ્પિટલના એકાઉન્ટન્ટ કૌશલ ભરત પટેલની પુછપરછ કરી હતી. આ સમયે ચાર્ટડ એકાઉન્ટન્ટ રોનક સંતોષકુમાર ગોયલ મારફતે ઓડિટ કરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, તેમની પાસે તપાસ કરતાં તનુજ પટેલ, તેમના પત્ની ઉમંગીબહેન પટેલ, જયેન્દ્રભાઈ પટેલે હોસ્પિટલ થઇ ત્યારથી માર્ચ-2024 સુધી ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી.માંથી રૂ.1,69,26,574ની રકમ ટુકડે ટુકડે કરીને અલગ અલગ સમયે લીધાં હતાં. આ ઉપરાંત તનુજ અને ઉમંગીબહેન તથા જયેન્દ્રભાઈએ ટી-સ્કવેર ફાર્મસી પ્રા.લી.માંથી પણ અંગત કામ માટે રૂ.91,23,700ની રકમ ટુકડે ટુકડે લીધી હતી. જેની નોંધ એકાઉન્ટ લેઝરમાં જોવા મળી હતી.

ડો. રોહને વધુ તપાસ કરતાં તનુજ પટેલે ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી. તથા ટી – સ્કવેર ફાર્મસી પ્રા. લી.ના બેંક એકાઉન્ટમાંથી જાણ બહાર તેમના પિતા જયેન્દ્રભાઈ પટેલના નામે ચાલતા જયેન્દ્ર પટેલ ફાઉન્ડેશન (ROOTS)માં તનુજ પટેલ, ઉમંગીબહેન પટેલ ડાયરેક્ટર તરીકે છે. જે ફાઉન્ડેશનના બેંક એકાઉન્ટમાં તથા તનુજ પટેલના મિત્રો, પરિવારજનોને વિદેશ જવા માટેના વિદેશ હવાઇ યાત્રાની ટીકીટ તથા વિવિધ નામાંકીત કંપનીઓના એવોર્ડ મેળવવા માટે અલગ અલગ રકમ ડોનેશન કરી હતી. તનુજ પટેલના પત્ની ઉમંગીબહેન પટેલ, પિતા જયેન્દ્રભાઈ પટેલના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેકશન થયા છે. ટી-સ્કવેર ઇન્ફોટેક કંપની જે તનુજ પટેલની પોતાની કંપની હોય તેમાં પણ નાણાકીય ટ્રાન્ઝેકશન થયાં છે. જે તમામ ટ્રાન્ઝેકશન મળી કુલ રૂ.88,13,356ના નાણાકિય વ્યવહારો તનુજ પટેલ તથા તેમના પત્ની ઉમંગીબહેન, પિતા જયેન્દ્રભાઈ પટેલે અંગત ઉપયોગ માટે કર્યાં હતાં.

ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી.ની કુલ 10 વેન્ટીલેટર પૈકી 8 વેન્ટીલેટર કિંમત રૂ.40,11,200 બારોબાર કોઇને વેચી દીધાં હતાં. તેવી જ રીતે રૂ.1.43 લાખની રકમનો મોબાઇલ ટી-સ્કવેર પ્રા. લી.ના નામથી ખરીદ્યો હતો. તે તથા ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી., ટી – સ્કવેર ફાર્મસી પ્રા. લી. કંપનીના પૈસાથી ખરીદેલા રૂ.6.46 લાખના સોનાના સિક્કા તથા અન્ય ઘરેણા પણ તનુજ પટેલે અંગ ઉપયોગ માટે ખરીદ્યાં હતાં.  આમ, તનુજ પટેલ, ઉમંગીબહેન પટેલ અને જયેન્દ્રભાઈ પટેલે મળી કુલ રૂ.3,96,66,850ની નાણાકીય ઉચાપત કરી હતી. આ અંગે લેફ્ટ. કર્નલ ડો. રોહન હરસોડાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડો. રોહનની બોગસ સહી કરેલા લેટર મળી આવ્યાં

ડો. રોહને હોસ્પિટલના કબાટમાંથી વિવિધ ફાઇલ ચેક કરતાં તેમાંથી 15મી મે, 2020ના રોજ તેઓ ભારતીય સેનાની નોકરી અર્થે કોંગો ખાતે રોકાયેલા હોય તે તારીખની તેમની ભળતી સહી કરેલા ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી. કંપનીમાં બેંકને લગતી તમામ લેવડ – દેવડ તથા તમામ પ્રકારના ટેક્સમાં, અન્ય બાબતમાં તનુજ પટેલને પોતાને આગવી સત્તા મળે તે મતલબનો જે તે વખતે બનાવેલો બોગસ લેટર મળી આવ્યો હતો. આ સિવાય 20મી માર્ચ, 2021ના રોજ ડો. રોહન ભારતીય સેનાની નોકરી અર્થે જામનગર ખાતે રોકાયેલા હોય તેમ છતાં 20મી માર્ચ,2021ના રોજ બોર્ડ મિટિંગ મળી મિટિંગમાં તનુજ પટેલને પોતાને ટી-સ્કવેર હોસ્પિટલ પ્રા. લી. કંપનીમાં બેંકને લગતી તમામ લેવડ – દેવડ, તમામ પ્રકારના ટેક્સમાં પોતાને આગવી સત્તા મળી રહે તે બાબતનો ખોટો લેટર મળી આવ્યો હતો. જે લેટરમાં ડો. રોહન તેમજ તેમના પત્ની ડો. જુલીબહેનને મળતી ભળતી ખોટી સહીઓ કરી હતી. આ સિવાય 29મી નવેમ્બર,2021ના રોજ સને 2021ના વર્ષનો નાણાકિય હિસાબ રજુ કરતો રિપોર્ટ પણ મળી આવ્યો હતો. જે રિપોર્ટમાં ડો. જુલીબહેનને મળતી ભળતી  ખોટીઓ સહી કરી હતી.

Most Popular

To Top