સુભાષ પાલેકર કૃષિ (SPK) વડોદરા જિલ્લા દ્વારા, પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં 3 દિવસ માટે ખેડૂતો માટે સુભાષ પાલેકર પંચસ્તરીય ખાદ્ય જંગલ મોડેલ પ્રશિક્ષણ અને ચિંતન શિબિર
સુભાષ પાલેકર કૃષિ (SPK) વડોદરા જિલ્લા દ્વારા, પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં 3 દિવસ માટે ખેડૂતો માટે સુભાષ પાલેકર પંચસ્તરીય ખાદ્ય જંગલ મોડેલ પ્રશિક્ષણ અને ચિંતન શિબિર વડોદરા જિલ્લાનાં કશ્યપ રાય, ધર્મેશ પટેલ તથા અન્ય સક્રિય કાર્યકર્તાઓની અથાગ મહેનત અને સમર્પણથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ શિબિરમાં ગુજરાતના 600 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો અને સુભાષ પાલેકર પંચસ્તરીય ખાદ્ય જંગલ મોડેલ સંબંધિત વિશેષ પ્રશિક્ષણ મેળવ્યું હતું.
પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર પ્રેરિત વિશેષ કૃષિપદ્ધતિ અનુસાર પૃથ્વી પર રહેલા વિરાટકાય વૃક્ષો, વિવિધ વનસ્પતિ તેમજ છોડોને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી નાઈટ્રોજન,ફોસ્ફરસ તથા પોટાશ તથા એવા જરૂરી અન્ય તમામ ખનીજ તત્વો ભૂમિની અંદર ભૂગર્ભમાં મોજૂદ રહેલા છે. વૃક્ષો,વનસ્પતિ અને છોડોને વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા કોઈ પણ ખનીજ તત્વોની આપૂર્તિ માટે આવા કોઈ પણ તત્વો કે ખાતર ઉપરથી ઉમેરવાની કે આપવાની જરૂર નથી. આ તમામ ખનીજ તત્વોની આપૂર્તિ માટેની જવાબદારી ઈશ્વરે માનવને નથી સોંપી. જેમકે જંગલનાં વિરાટકાય વૃક્ષો તેમજ વનસ્પતિઓનાં વિકાસમાં માનવનો કોઈ હસ્તક્ષેપ કે યોગદાન નથી. કુદરતે ગોઠવેલી અભૂતપૂર્વ ઈશ્વરીય વ્યવસ્થા દ્વારા તેમનાં વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા તમામ તત્વોની આપૂર્તિ આપમેળે જ થઈ રહે છે. આની જવાબદારી ઈશ્વરે વિવિધ સૂક્ષ્મ જીવાણુઓ અને દેશી અળસિયાં ને સોંપી છે. આ સૂક્ષ્મ જીવાણુની કોલોની, નિષ્ઠાપૂર્વક તેમની આ જવાબદારી નિભાવે છે અને દેશી અળસિયાંની મદદ દ્વારા કેશાકર્ષણ શક્તિથી આ તત્વો દ્વારા જમીનની ઉપલી સપાટી ઉપર, વિવિધ વનસ્પતિ અને છોડો નાં મૂળ પાસે લાવી,તેમને સુપાચ્ય અવસ્થામાં પૂરા પાડે છે.
SPK કૃષિ પધ્ધતિ હેઠળ જ્યારે ખેતરમાં પાકોને જીવામૃત તથા ઘનજીવામૃત આપવામાં આવે છે ત્યારે તેમાં રહેલા દેશી ગાયના છાણ તથા ગૌમૂત્રમાં મોજૂદ રહેલ આ સૂક્ષ્મ જીવાણુની કોલોની દ્વારા ખેતી નાં પાકો તથા ખેતરનાં વિવિધ વૃક્ષો, વનસ્પતિ વગેરેને
તેમનાં વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા તમામ તત્વોની આપૂર્તિ થઈ રહે છે. બિનઆવશ્યક અને નુકશાનકર્તા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરી ફક્ત અને ફક્ત જીવામૃત તથા ઘનજીવામૃતનો ઉપયોગ કરવાથી ફક્ત બેચાર દિવસમાં જ દેશી અળસિયાંની વૃદ્ધિ નજરે ચડે છે,તેમની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થાય છે.જે કાળક્રમે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા વધારે છે અને બિનઆવશ્યક અને નુકશાનકર્તા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળનો ખેડૂતોનો ખોટો ખર્ચ અટકાવે છે.
માનવજાતનાં કમનસીબે, કહેવાતું આધુનિક કૃષિ વિજ્ઞાન, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એજ ભણાવે છે અને બતાવે છે જે અસત્ય તેમને શીખવવામાં આવે છે. નહિ કે જે જ્ઞાન અસ્તિત્વમાં છે,પણ એમને શીખવવામાં આવતું નથી. એ જ્ઞાન આપવામાં તેઓ અસમર્થ છે અથવા ત્યાં તેમનું અજ્ઞાન જાહેર થાય છે. અને કૃષિ વિષયક આ જ્ઞાનથી વિપરીત અજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરે છે,જે ખેડૂતોના હિતને બદલે ફક્ત અહિત જ કરે છે.તેમના દ્વારા પ્રેરિત,બિનઆવશ્યક અને નુકશાનકર્તા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખોટો ઉપયોગ,જમીનની ગુણવત્તા બગાડે છે,ફળદ્રુપતા ઘટાડે છે અને ખેડૂતોને બિનજરૂરી ખર્ચનાં ખાડામાં ઉતારે છે. વાતાવરણ માં મિથેન વાયુના પ્રમાણમાં બિનજરૂરી વધારો કરે છે અને ગ્લોબલ વોર્મિંગમાં નકારાત્મક વધારો કરે છે.
SPK કૃષિ પધ્ધતિ હેઠળ,મિશ્ર પાક પદ્ધતિ, દ્વારા આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થાય છે. બિજામૃત, જીવામૃત ,ઘનજીવામૃત , આચ્છાદન , વાફસા તેમજ જૈવવિવિધતાનાં સંયુક્ત ઉપયોગ દ્વારા જમીનની ગુણવત્તા, ફળદ્રુપતા તથા પાક ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થાય છે.
જીવામૃત એ ખરા અર્થમાં ધરતી પરનું અમૃત છે.
ફકત એક દેશી ગાયના છાણ તથા ગૌમૂત્ર દ્વારા 30 એકર જમીનની સફળ ખેતી કરી શકાય છે.
સફળ ખેતી કે ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જરૂરી છે એ ભ્રામક માન્યતા સદંતર દૂર કરવાની આવશ્યકતા છે.
આજના સમયમાં સમગ્ર માનવજાતનાં કલ્યાણ માટે કેન્દ્ર સરકાર,વિવિધ રાજ્ય સરકારો, આધુનિક કૃષિ વિજ્ઞાન, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની પવિત્ર ફરજ બની રહે છે કે આ દેશનાં કરોડો ખેડૂતોના હિતમાં આ ભ્રામક અજ્ઞાનનો ફેલાવો સત્વરે અટકાવે અને ફક્ત સત્ય જ્ઞાનનો ફેલાવો કરે.
આ દેશનાં કરોડો ખેડૂતોનું કલ્યાણ, આર્થિક આબાદી તથા જમીનની ગુણવત્તા તથા ફળદ્રુપતા વધારવા માટે , રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનાં ઉત્પાદન તથા ઉપયોગ અટકાવી, બિજામૃત, જીવામૃત ,ઘનજીવામૃત , આચ્છાદન , વાફસા તેમજ જૈવવિવિધતાનો સંયુક્ત ઉપયોગ અંગે સમજ આપવા તથા તેના પ્રચાર અને પ્રસાર માટે રાષ્ટ્રીય અભિયાન ,જન આંદોલન એ સમયની માંગ છે. આપણે ખેડૂત હોઈએ તો આ પદ્ધતિ સત્વરે અપનાવીએ, અન્યથા પણ એના પ્રચાર, પ્રસાર તથા તેના ઉત્પાદનનાં ઉપયોગ દ્વારા આ રાષ્ટ્રીય અભિયાન ,જન આંદોલનમાં આપણો યથા શક્તિ ફાળો આપીએ.
અહેવાલ: કિશોરસિંહ બારડ