Vadodara

નવલખી ગરબા મેદાનમાં પાણીના નિકાલની વ્યવસ્થા, નીક અને ટેમ્પરરી કાંસ બનાવાઈ..

વડોદરાના ખેલૈયાઓ માટે ગરબા આયોજકો કમરતોડ મહેનતે લાગ્યા છે. ભારે વરસાદના કારણે ગરબા મેદાનો ટાપુમાં ફેરવાયા હતા. જેના કારણે આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. પરંતુ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા નવલખી મેદાનને આયોજકોએ ફરી એકવાર બેઠું કર્યું છે. સાથે જ નવરાત્રી દરમિયાન જો વરસાદ આવે તો પણ એક કલાકમાં જ મેદાનમાંથી પાણીનો નિકાલ થઇ જાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ ખેલૈયાઓ પણ વરસાદી બાધાને અવગણીને ગરબે ઘુમવા ઉત્સાહી બન્યા છે.


વડોદરાનું નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલેકે વીએનએફના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે બે દિવસ અગાઉ જ મેઘરાજાએ વડોદરા શહેરમાં તોફાની બેટિંગ કરતા અનેક ગરબા ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઈ ગયા હતા. જે અંતર્ગત નવલખી મેદાન પણ બે દિવસ પહેલા ભારે વરસાદથી તળાવમાં ફેરવાયું હતું. પરંતુ હવે આ મેદાનને ફરી આયોજકોએ મહા મહેનતે ખેલૈયાઓ માટે તૈયાર કરી દીધું છે.
માત્ર બે દિવસમાં આયોજકોએ ખેલૈયાઓને નિરાશ ન થવું પડે તે માટે મેદાન તૈયાર કરી દીધું. મેદાનમાં પાણીના નિકાલ માટે 20 બોરવેલ, નીક અને ટેમ્પરરી કાંસ બનાવવામાં આવી છે. જેના કારણે મેદાનમાં ભરાયેલું આખું પાણી જમીનમાં ઉતરી ગયું.

VNF ગરબાના કમિટી મેમ્બર વિક્રમ પટેલે આ અંગે માહિતી આપી હતી કે, બે દિવસ અગાઉ શહેરમાં ભારે હતો.વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયું હતું. પરંતુ હવે આ પાણીનો નિકાલ કરી ફરીથી ખેલૈયાઓ માટે મેદાન તૈયાર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહિ નવરાત્રી દરમિયાન પણ જો વરસાદ પડે તો પણ મેદાનમાંથી પાણી ઉતરી જાય તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદ બંધ થવાના એક કલાકમાં જ મેદાન તૈયાર થઈ જાય તેવી વ્યવસ્થા કરી છે. જેથી હવે તમામ 9 દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.
તો બીજી તરફ યુવાધન પણ ગરબે ઘુમવા ભારે તત્પર બન્યા છે. જેમ જેમ નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. ખેલૈયાઓએ એવું જણાવ્યું કે, વરસાદના વિઘ્ન વચ્ચે પણ ગરબા નહિ રોકાય. નવરાત્રીને લઇ સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઇ ગઈ છે. વરસાદનું વિઘ્ન નડે તો રેઈનકોટ પહેરીને પણ ગરબા તો રમીશું જ.

Most Popular

To Top