Charotar

કપડવંજમાં હોમગાર્ડના 2 પોલીસ કર્મીઓ નોકરીની ફરજ સોંપવા 1500 રૂપિયા લાંચ લેતા ઝડપાયા


હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરતા બંને આરોપીઓ મહિના દીઠ 500 રૂપિયા ઉઘરાણું કરતા હતા
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 30
કપડવંજમાં બે હોમગાર્ડ કર્મીઓ 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. હોમગાર્ડ સભ્યોને ફરજ સોંપવાની કામગીરી કરતા આ બંને કર્મીઓ ફરજ સોંપવા બદલ હોમગાર્ડ સભ્ય પાસે 2000 ની લાંચની માગણી કર્યા બાદ 1500માં ડીલ નક્કી કરી હતી. જોકે હોમગાર્ડ સભ્ય આ લાંચ ની રકમ આપવા માંગતા ના હોય તેમણે એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવી બંને આરોપીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા છે.
મળતી માહિતી મુજબ કપડવંજ યુનિટમાં હોમગાર્ડ પ્લાન્ટુન સર્જન તથા ઇન્ચાર્જ ઓફિસર તરીકે મનીષકુમાર જયંતીભાઈ ઝાલા ફરજ બજાવે છે તેમજ હોમગાર્ડ પ્લાન્ટુન ચાર્જર તરીકે નરેન્દ્રકુમાર રવજીભાઈ ઝાલા ફરજ બજાવે છે. નરેન્દ્ર ઝાલા હાલ યોગીનગર સોસાયટી ડાકોર રોડ કપડવંજ ખાતે રહે છે. આ બંને કર્મીઓ કપડવંજ યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સભ્યોની નોકરીનું ફાળવણીનું કામ કરે છે જેમાં એક હોમગાર્ડ સભ્યોને નિયમિત રીતે હોમગાર્ડ ની ફરજો સોંપવા માટે એક મહિનાના 500 રૂપિયા લેખે છેલ્લા ચાર મહિનાના 2,000 રૂપિયાની લાંચની માગણી આ બંને કર્મીઓએ કરી હતી. હોમગાર્ડ સભ્ય આ કર્મચારીઓને આજીજી વિનંતી કરતા અંતે 1500 રૂપિયાની ડીલ નક્કી થઈ હતી. જોકે હોમગાર્ડ સભ્ય આ 1500 રૂપિયા આપવા માંગતા ન હતા. જેથી તેમણે ખેડા એસીબી નો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી જે બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી આરોપી નરેન્દ્રકુમાર ઝાલાને લાંચની હેતુલક્ષી વાતચીત કરતા અને 1500 રૂપિયા લાંચ ડાકોર રોડ ખાતે યોગીનગર સોસાયટીમાં તેમના રહેઠાણ પર જ સ્વીકારતા ઝડપી પાડયો છે. જ્યારે મનીષકુમાર ઝાલાને ફરિયાદી સાથે ટેલિફોનિક હેતુલક્ષી વાતચીત કરી મદદગારી કરવામાં અટકાયત કરી લીધી છે હાલ બંને સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top