સુવિધા મળી નથી વેરો નહીં ભરવા ચીમકી આપી :
ત્રણ દિવસ થયા કોઈ ફરક્યું પણ નથી :
( પ્રતિનિધિ ) વડોદરા,તા.30
વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીમાં સતત બીજા દિવસે પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અને આ વખતે વેરો નહિ ભરીએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે ફરી એક વખત વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રવિવારે શહેરમાં ભારે વરસાદ ખાબકતા ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા થતા અટક્યું હતું. જોકે અગાઉના પૂરની પરિસ્થિતિનો બોધપાઠ નહી લેતા સતત બીજા દિવસે પણ વડોદરા શહેરની વાઘોડિયા રોડ ઉપર આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે. સ્થાનિક લોકોએ એકત્ર થઈ પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક મહિલા અનિતાબેન શાહે જણાવ્યું હતું કે, આ વખતે અમે કોઈ પણ વૈકુંઠ વાળા ઘરવેરો ભરીએ નહીં. કારણકે અમારી સમસ્યાનું સમાધાન થતું નથી. છેલ્લા કેટલાક વખતથી પાણી ભરાય છે. આ મહિનામાં ત્રણ વખત પાણી ભરાયું કોઈપણ ઉકેલ આવ્યો નથી. કોઈ પણ ગટર લાઈન ખોલી નથી. અમે પાણીમાં રહીએ છીએ. સવારની ચા પણ નથી પીધી. ચા ની પણ કોઈ વ્યવસ્થા નથી. દૂધની થેલીઓ મોકલો ઘરે ઘરે અમારા. અમારે નાના છોકરાઓ છે ઘરડા માણસો છે. અમે પાણીમાં ક્યાં જઈએ ઘરોમાં કેટલું બધું નુકસાન થયું છે તેમ જણાવ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા સંગીતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે અમારે બીજી કોઈપણ સહાય જોઈતી નથી. બસ આ પાણી કાઢી આપો. નહીં તો કોઈ વેરો ભરવાનું નથી. પછી ડબલ વેરા આવ્યા એ ધંધો નહીં ચાલે. અમારે ઘરમાં બધાની કાળજી લેવાની હોય, આવું ને આવું ચાલ્યા કરે છે. બસ અમારે પાણી કાઢ કાઢ કરવાનું. વોટ લેવા હોય તો ફટાફટ આવી જાય છે. મેયર પિન્કીબેન અગાઉ આવ્યા હતા. પંપ મૂકીને પાણી કાઢ્યું પણ હાલમાં જેવું છે તેવું ને તેવું જ છે. ત્રણ દિવસથી કોઈ જોવા પણ નથી આવતું. વરસાદ બંધ થઈ ગયો છે છતાં ટીપુ પણ પાણી ઉતર્યું નથી.