Vadodara

મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી, આપ આજે વડોદરામાં છો તો અહીંના સત્તાધીશોને પૂછજો કે એક મહિનામાં શું કર્યું ?

ગયા ઓગસ્ટમાં આવેલા પૂર પછી એક મહિને માત્ર સાડા ત્રણ ઇંચ વરસાદમાં આખું શહેર ફરી પાણીમાં ડૂબ્યું, આ એક મહિનામાં વેર વાળવામાં વ્યસ્ત રહેવાને બદલે સત્તાધિશોએ ફરી પૂર આવતું રોકવાના પ્રયાસ કર્યાં હોત તો શહેરની સ્થિતિ આવી ના થઈ હોત

વડોદરાની વાત – દેવેન્દ્રસિંહ પાંજરોલિયા

વડોદરામાં ભયંકર પુર આવ્યા એને આજે એક મહિનો પૂરો થયો ત્યારે જ ફરીથી ભારે વરસાદને કારણે શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આવેલા પૂર પછી પણ વડોદરાના સત્તાધિશો અને અધિકારીઓએ કોઈ બોધપાઠ લીધો હોય તેવું લાગતું નથી. કારણ કે એક મહિનો વીતી ગયો અને ફરી વરસાદ શરૂ થયો ત્યાં સાડા ત્રણ ઇંચ વરસાદમાં જ શહેરની હાલત ફરીથી કફોડી થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. દુકાનો અને મકાનો ફરીથી પાણીમાં ગરકાવ થયા છે. વાહનો ડૂબી રહ્યા છે. લોકોને તંત્રની સબ સલામતની વાતો પણ ભરોસો નથી, એટલે ગઈ રાતથી જ સમા વિસ્તારના લોકોએ બ્રિજ પર વાહનો મૂકી દીધા હતા. આવી સ્થિતિ ઊભી થવાનું કારણ એ છે કે ગયા મહિને આવેલા પૂર પછી જે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. ભાજપના સત્તાધિશોએ ખરેખર ગ્રાઉન્ડ પર કામ કરીને પ્રજાની યાતના ઓછી કરવાના બદલે પ્રજાને યાતના આપવાનું જ કામ કર્યું છે. એક ધારાસભ્ય સામે પ્રજાએ વિરોધ કર્યો તો નિર્દોષ માણસ સામે કેસ કરી.દીધો. એક સોસાયટીએ ભાજપના નેતાઓ પર પ્રવેશબંધી ફરમાવી તો તે સોસાયટીના નોટિસ આપવામાં આવી. ભાજપવાળાઓએ આ એનર્જી શહેરની તકલીફો દૂર કરવામાં વાપરી હોત તો આજે સાડા ત્રણ ઇંચ વરસાદમાં જ શહેરની આવી ખરાબ હાલત ફરીથી થઈ નહોત.
શહેરમાં પાણી પ્રવેશવા માટે મુખ્ય કારણભૂત કાંસની સફાઈ એક મહિનો થયો છતાં થઈ નથી. તેને કારણે આજે એક મહિનાના સમયમાં ફરીથી પાણી ઘરો અને દુકાનોમાં પ્રવેશ્યા છે. વિશ્વામિત્રી નદીના પાણીને અવરોધતા દબાણ તોડવાની વાતો બહુ થઈ પરંતુ માત્ર અગોરા મોલનું ક્લબ હાઉસ તોડીને સંતોષ માનવામાં આવ્યો. બાકીના 13 બાંધકામો તોડવા માટે શું કાર્યવાહી થઈ તેની કોઈ માહિતી નથી. આખું શહેર જાણે રામ ભરોસો છોડી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી, આપ યોગાનુયોગ આજે વડોદરા શહેરમાં મહેમાન બન્યા છો ત્યારે શહેરના સત્તાધીશો અને અધિકારીઓને એક વખત તો પૂછજો જ કે તમે આ એક મહિનામાં કર્યું શું? વડોદરા ની આવી હાલત ફરીથી ન થાય તે જોવાની જવાબદારી એક વડીલ તરીકે આપની છે વડોદરા શહેર આપણી પાસે અપેક્ષા રાખે છે કે આ શહેરને આપ સાચા અર્થમાં ન્યાય આપો.

Most Popular

To Top