Vadodara

વડોદરાના પૂર્વ વિસ્તારની હાઇવે નજીકની અનેક સોસાયટીને ગામડાંનાં પાણી ડુબાડે છે



ભાજપના કોર્પોરેટર અજિત દધીચેનો બળાપો

ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પાણી હાઇવે નજીકની સોસાયટીઓમાં ફરી વળ્યા હતા. આ પાણી શહેરના નહીં, પરંતુ હાઇવે પાર આવેલા વુડા હદના ગામડાઓના વરસાદી પાણી હતા. આ સમસ્યાનું સમાધાન છે, પરંતુ વુડાના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર હોવા છતાં વર્ષોથી હાઇવેથી 5 કિલોમીટર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ ડૂબી રહી છે અને હજારો લોકોની ઊંઘ હરામ થઇ ગઇ છે.
27 સપ્ટેમ્બરની મોડીરાત્રે પડેલા ભારે વરસાદના કારણે વોર્ડ નં. 4માં આવેલી સોસાયટીઓ સહિત હાઇવે નજીકની સોસાયટીઓમાં હાઇવે તરફથી ધસી આવેલા પાણી અંગે સ્થાનિક ભાજપ કાઉન્સિલર અજિત દધીચે જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય પાણી ભરાઇ જાય છે. આ પાણી વિસ્તારમાં પડતા વરસાદનું હોતું નથી, પરંતુ હાઇવે તરફથી ધસી આવતાં પાણી હોય છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં અને ભાજપ સત્તામાં હોવા છતાં નિરાકરણ આવતું નથી. કાઉન્સિલર અજીત દધીચે વધુમાં જણાવ્યું હતું કે, હાઇવેની પાછળ વુડાની હદના સિંકદરપુરા, કોટંબી, કોટાલી, શંકરપુરા, હનુમાન પુરા સહિત વિવિધ ગામોનું
વરસાદનું 80 ટકા પાણી હાઇવે ઓળંગીને પૂર્વ વિસ્તારમાં આવે છે. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદનું પાણી હાઇવે પાંજરાપોળ પાસેના 30 મીટર રોડથી ખોડીયાર નગર રોડ વિસ્તારમાં ધસી આવ્યા હતા. આજે સવારે વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. સવારે લોકો ઘરની બહાર ઘૂંટણ સમા પાણી જોઇ ચોંકી ઉઠ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વુડાના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર છે. પૂર્વ વિસ્તારમાં હાઇવે તરફથી આવતા પાણી અટકાવવા માટે વુડા હદના ગામડાંઓમાં કુત્રિમ તળાવો બનાવવા જોઇએ. ઉપરાંત, હાઇવે ઉપરના જામ્બુવાથી 12 કિલોમીટર જેટલી વી આકારમાં ચેનલ બંધાવવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં આવતું પાણી અટકી શકે છે. આ ઉપરાંત આવનાર સમયમાં શહેર ફરતે રિંગરોડ બનવા જઇ રહ્યો છે. ત્યારે રીંગ રોડની બાજુમાં પણ પાણી નિકાલ માટે વી સેપમાં ચેનલ બનાવવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં હાઇવે તરફથી ધસી આવતાં વરસાદી પાણીનો પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.
કાઉન્સિલરે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ જે રીતે સર્વે કરી પૂર ન આવે તે માટે સરકારે પગલાં લીધા છે તેજ રીતે પૂર્વ વિસ્તારમાં હાઇવે તરફથી ધસી આવતાં પાણી અટકાવવા માટે સર્વે કરીને કામગીરી કરવામાં આવશે, તોજ પૂર્વ વિસ્તારમાં ચોમાસામાં સર્જાતી સમસ્યાનો કાયમી
નિકાલ આવશે. પૂર્વ વિસ્તારમાં પડતા વરસાદનું પાણી નહીં, પરંતુ હાઇવે તરફથી ધસી આવતું પાણી મુશ્કેલી સર્જી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના કોર્પોરેટર અજિત દધીચે મોડી રાત્રે પડેલા વરસાદના પાણી હાઇવે ઉપરથી કેવી રીતે આવે છે, તેનું ફેસબુક પર લાઇવ કર્યું હતું. ફેસબુક લાઇવમાં જણાવ્યું કે, હું તમને હાઇવેની પેલી સાઇડ બતાવું છું, જ્યાંથી પાણી વોર્ડમાં પ્રવેશે છે. આ બધુ ઉપરવાસનું પાણી વોર્ડમાં પ્રવેશે અને પૂરની પરિસ્થિતી સર્જાય છે.

Most Popular

To Top