આ વર્ષે શ્રીફળના પાકને નુકસાન જતાં આવકમાં ઘટાડાની અસર..
નવરાત્રી, દિવાળીની પૂજા મોંઘી બનશે..
શ્રીફળ એ હિન્દુ ધર્મમાં દરેક પૂજનમાં સૌથી પવિત્ર ફળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શ્રી એટલે ભગવાન અને ફળ એમ ભગવાનના ફળને શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે. ધનના દેવી લક્ષ્મીજીનું શુકનવંતુ ફળ પણ ગણવામાં આવે છે શ્રીફળને કલ્પવૃક્ષ તરીકે તેમજ સ્વર્ગના ફળ તરીકે પણ ઓળખવામાં છે.
લીલા નાળિયેર કે શ્રીફળ નું મુખ્ય ઉત્પાદન તામિલનાડુ, મદ્રાસ, કેરલા તથા કર્ણાટક માં ખૂબ જ મબલખ પ્રમાણમાં થાય છે. જ્યાંથી દેશના વિવિધ રાજ્યો તથા અન્ય દેશોમાં પણ તેની નિકાસ થતી હોય છે.
સામાન્ય રીતે દર ચોમાસામાં નારિયેળનું ઉત્પાદન ખૂબ જ થતું હોય છે પરંતુ આ વર્ષે નારિયેળના પાકને નુકસાન થતાં શ્રીફળ તથા લીલા નારિયેળ ની આવક ઘટી છે જેના કારણે ગુજરાતમાં શ્રીફળ તથા લીલા નારિયેળ ના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી નવરાત્રી તથા દિવાળીની પૂજામાં લોકોને ભગવાનની પૂજામાં મોંઘવારી નડી શકે છે. હાલમાં ગુજરાતની વાત કરીએ તો ઉતર ગુજરાતમાં શ્રીફળના ભાવોમાં પચાસ ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે જ્યાં શ્રીફળ અગાઉ રૂ. 30 થી 40 ના હોલસેલ ભાવે મળતું હતું તે હાલમાં રૂ. 70 થી 80 ના ભાવે પહોંચી ગયા છે. જ્યારે વડોદરાની વાત કરીએ તો અહીં શ્રીફળના હોલસેલ ભાવ રૂ.18 થી રૂ.22 માં મળતા હતા તે હવે રૂ. 28 થી રૂ. 30ના ભાવે મળે છે અને રિટેઇલમા રૂ. 35ના ભાવે પહોંચી ગયા છે.
લીલા નારિયેળ જેનું શુધ્ધ મીઠું જળ શિવજીને અર્પણ કરવામાં આવે છે તથા ખાસ કરીને દર્દીઓ માટે પણ લીલાં નારિયેળ ખૂબ મહત્વ ધરાવે છે લીલાં નારિયેળ જે સો રૂપિયામાં ત્રણ મળતાં હતા તે સીધા જ દોઢસો થી રૂપિયા બસ્સો સુધી પહોંચી ગયા છે. શ્રીફળમાંથી સુકું કોપરું, કોપરાનું છીણ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓ બને છે તેમાં પણ સીધો જ ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ શ્રીફળ, લીલાં નારિયેળ ની આવક ઘટતા તેની અસર શ્રીફળમાંથી તૈયાર થતી અન્ય વસ્તુઓ ઉપર પણ જોવા મળી રહી છે. કોપરેલ તેલનો 15 કિ.ગ્રા.નો જે ડબ્બો અઠવાડિયા પહેલાં રૂ. 2800નો હતો તે હાલમાં રૂ. 3200સુધી પહોંચ્યો છે. આ સ્ટોક જૂનો સંગ્રહેલો છે તેમાં હાલ આ ભાવવધારો છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ભાવવધારો થવાની શક્યતાઓ છે. બીજી તરફ કોપરાના છીણનો ભાવ 20 કિ.ગ્રા. નો રૂ. 4500 નો હતો તે હાલમાં સીધા જ રૂ. 8500 નો થઇ ગયો છે. આ વર્ષે શ્રીફળ અને લીલાં નારિયેળ નો પાક નિષ્ફળ જતાં આવક ઘટી છે જેના પગલે શ્રીફળ અને લીલાં નારિયેળ મોંઘા થયા છે. આમ મર્યાદિત આવક બીજી તરફ ખાધ્યતેલ, શાકભાજીના ભાવોમાં વધારા બાદ હવે પડતા પર પાટુ સમાન હવે ભગવાનની પૂજા પણ હવે મોંઘી બની છે. માથામાં નાંખવા તથા કેટલાક લોકો રસોઇમાં જેનો ઉપયોગ કરે છે તે કોપરેલ તેલ, મિઠાઇ સહિત અન્ય વાનગીઓમાં ઉપયોગમાં લેવાતું કોપરાનું છીણ મોંઘું થયું છે તો બીજી તરફ દર્દીઓ માટે ફાયદાકારક લીલાં નારિયેળનું પાણી પણ હવે મોંઘું થયું છે.
આગળથી શ્રીફળની આવક નથી એટલે જ ભાવમાં રૂ.15સુધીનો વધારો થયો છે
વડોદરામાં હાલ શ્રીફળનો જૂનો સ્ટોક વેપારીઓ પાસે હોય હાલમાં અન્ય શહેરો જેટલા ભાવ શ્રીફળના નથી થયા પરંતુ આગામી નવરાત્રી દિવાળીના દિવસોમાં ભાવ વધારો જોવા મળશે જે શ્રીફળ રૂ.18 થી 22 રૂપિયે હતા તે રૂ.35ના ભાવે મળી રહ્યાં છે. આગળથી શ્રીફળની આવક જ ઘટી છે જેના કારણે શ્રીફળ ના ભાવોમાં રૂ.15 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
-જ્ઞાનેશ શુક્લા-વેપારી, માં દુર્ગા પૂજાપા સ્ટોર,છાણી જકાતનાકા
શ્રીફળ તથા નારિયેળના તેલ, કોપરાના છીણના પણ ભાવો વધ્યાં
આ વર્ષે શ્રીફળ/નારિયેળ ની આવક ઘટવાને કારણે શ્રીફળ તથા લીલાં નારિયેળ મોંઘા થયા છે સાથે સાથે કોપરેલના તેલના 15 કિલોના ડબ્બે સીધા જ રૂ.400વધી ગયા છે જ્યારે કોપરાનું છીણ જે પ્રતિ 20 કિ.ગ્રા. એ રૂ.4500 હતા તે સીધા જ રૂ.8500 થઇ ગયાં છે
-નૂતનભાઇ અગ્રવાલ-વેપારી, વાઘોડિયારોડ
લીલાં નારિયેળ દર્દીઓ માટે મોંઘા થયા
કર્ણાટક, તામિલનાડુ થી લીલાં નારિયેળ અહીં ખંડેરાવ માર્કેટ ફ્રૂટ્સ બજારમાં આવતા હતા તે હોલસેલ રૂ. 15 થી 20 રૂપિયે આવતા અને છૂટકમા લીલાં નારિયેળ ગુણવત્તા મુજબ રૂ.100મા ત્રણ કે ચાર મળતા હતા તે હવે આવક ઘટતા મોંઘા બન્યા છે હાલમાં રૂ.35 થી 40 ની ખરીદી હોય છૂટકમા રૂ. 100થી દોઢસોમા બે મળી રહ્યા છે.
-નરેન્દ્રભાઇ, ફ્રૂટસના વેપારી