Columns

કર્મચારીઓ પ્રમોટરની જેમ વિચારે – બીકાસ લોહિયા

આજે સમગ્ર વિશ્વમાં ભારતના બુદ્ધિધનની માગ છે. દરેક દેશમાં ભારતીય યુવાનોએ કાઠું કાઢ્યું છે. માત્ર અમેરિકાની વાત કરીએ તો નાસામાં 37% ભારતીય ઇજનેરો છે. સમગ્ર અમેરિકાના ડૉક્ટર્સમાં 30% ભારતીય છે. સિલિકોન વેલીની વાત કરીએ તો ત્યાં 30 % ભારતીયો છે. વિશ્વના અન્ય દેશોમાં પણ આવી જ સ્થિતિ છે.
આની પાછળનું મૂળભૂત કારણ એ છે કે ભારતનો યુવાન જ્યારે પણ પોતાના નોકરીના સ્થળે કામ પર બેસે છે ત્યારે તે એક નોકરિયાત તરીકે નહીં પણ માલિક તરીકે વિચારે છે. ભારતીય મૅનેજર ઍન્ત્રપ્રિન્યોર તરીકે વિચારતો થઈ ગયો છે. આનાથી ઑનરશિપનો સિદ્ધાંત પણ આવ્યો. આ સફળતાની એક સૌથી મોટી ચાવી છે. ઍન્ત્રપ્રિન્યોર એટલે કે કંપનીનો માલિક જે સ્થિતિમાં વિચારીને નિર્ણય લે છે તે જ સ્થિતિમાં જ્યારે તેનો મૅનેજર વિચારતો હોય તો સમજો કે આખી વાત ક્યાં જઈને અટકે. આનો સરવાળો આખરે સફળતાની મંજિલે જઈને જ અટકે છે. પરિણામે આજે ભારતના બુદ્ધિધનની સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ છે.
બદલાતી પરિસ્થિતિમાં કર્મચારીઓની વિચારસરણી પણ બદલાવા લાગી છે. પહેલાં મૅનેજર્સ માત્ર મૅનેજ કરતા હતા, માત્ર ગાઇડ કરવા પૂરતો રોલ મર્યાદિત હતો. તેમાં સુધાર આવ્યો. તેઓ બદલાતી પરિસ્થિતિમાં ટીમમાં લીડ રોલ લેવા માંડ્યા પણ આજની સ્થિતિમાં ભારતના મૅનેજર્સે પોતાના વિચારવાના તથા નિર્ણય લેવાના ફલકને એકદમ વિસ્તારી દીધું છે. તેઓ હવે કંપનીના માલિક જે લેવલે વિચારે છે એ લેવલેથી તેમણે વિચારવાનું શરૂ કર્યું. આખી માનસિકતા બદલી નાખી છે. ઍન્ત્રપ્રિન્યોર થિન્કિંગના પરિણામે તેઓ કંપનીના એક ટોપ મૅનેજમૅન્ટના હિસ્સા બની ગયા અને આનાથી કંપનીનો વિકાસ થયો. આ જ માનસિકતા સાથે ભારતીયો આખું વિશ્વ ખૂંદી વળ્યા છે.
ઇન્ટીરિયર માટે લેમિનેટ્સના ભારતના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર – બીકાસ લોહિયાની વાત કરું. – બીકાસ લોહિયા મેરિનો ગ્રુપના ડાયરેક્ટર છે. લોહિયા પરિવાર આમ બાંગ્લાદેશનું નિવાસી છે પણ 1968માં તેઓ ભારતમાં આવ્યા અને આસામમાં તેમણે પહેલો ઉદ્યોગ સ્થાપ્યો. છેલ્લાં 45 વર્ષના અથાગ પરિશ્રમથી તેઓ આજે અહીં પહોંચ્યા છે. એક ફૅમિલી બિઝનેસમાં પોતાના માણસો, કર્મચારીઓ અને મૅનેજર્સને ઍન્ત્રપ્રિન્યોર થિન્કિંગમાં વાળવા એ મોટો પડકાર હતો પણ આ કામ તેમણે કરી બતાવ્યું. તેમણે ઍન્ત્રપ્રિન્યોરના ત્રણ મુદ્દાઓ નક્કી કર્યા. (1) કંપની ઇકોનોમિકલી વાયેબલ થવી જોઈએ. (2) કંપનીને પોતાના મૂળભૂત અને મજબૂત સિદ્ધાંતો હોવા જોઈએ. (3) કંપની જે કંઈ કરે તેમાં કર્મચારીઓ ટોચના સ્થાને હોવા જોઈએ.
આ ત્રણેય સિદ્ધાંતોને વિકાસ લોહિયાએ પોતાના ફૅમિલી બિઝનેસમાં વણી લીધા છે. તેમણે હ્યુમન ફૅક્ટર નામના મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમે અમારા મૅનેજર્સને ઍન્ત્રપ્રિન્યોર પ્રમાણે થિન્કિંગ કરવા માટે ત્રણ મુદ્દાઓ ઉપર ફોકસ કરવા કહ્યું. આના અમલ માટે અમે દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ કામ કર્યું. આજે પરિણામ એ આવ્યું કે અમે અમારો ફૅમિલી બિઝનેસ રન કરતાં હોવા છતાં અમે એક મલ્ટી નેશનલ કંપની કરતાં પણ સારું ક્લ્ચર ધરાવીએ છીએ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે માર્કેટમાંથી શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરો અને તેને ઍન્ત્રપ્રિન્યોર થિન્કિંગની આદત પાડો. આજના જમાનામાં મૅનેજર્સ પોતે જ માલિક છે અને એમણે જ નિર્ણય લઈને આગળ વધવું પડશે. આજના ભારતીય ઔદ્યોગિક જગતમાં ઍન્ત્રપ્રિન્યોર થિન્કિંગ કરનારાઓ ઝડપથી આગળ આવી રહ્યા છે. જે મૅનેજર્સ પોતાના કામની નવી પરિભાષા નક્કી કરી બજારમાં તેમને વિપુલ તકનો લાભ મળવાનો છે. ઍન્ત્રપ્રિન્યોર થિન્કિંગના કૉન્સેપ્ટમાં ઑનરશિપનો સિદ્ધાંત પણ સંકળાયેલો છે. જેના પરિણામે મૅનેજર્સ વિશાળ સત્તાઓ ભોગવી, કોઈનીય દખલગીરી વિના ધાર્યું પરિણામ પણ લાવી શકશે.

Most Popular

To Top