Vadodara

વાઘોડિયાના તરસવા ગામે ગુમ થયેલા ખેડૂતનો મૃતદેહ પાંચ દિવસ બાદ શંકાસ્પદ રીતે નાળામાંથી મળ્યો

*

વાઘોડિયા:
વાઘોડિયાના તરસવા ગામે પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂત રામકિશન ભઈલાલભાઈ પરમાર ઉંમર વર્ષ 45નો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ગામના જ નાળાના કેડસમા પાણીમાંથી ડીકમ્પોઝ હાલતમાં મળતા ગામમાં અનેક તર્ક વિતર્ક સર્જવા પામ્યા છે.

રામ કિસન પરમારની થોડા જ દિવસો પહેલા નારણભાઈ નામની ગામની જ વ્યક્તિ જોડે ખેતરમાં પાણીના ધાર્યા બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગે નારણભાઈએ ખેડૂતને પોલીસ કાર્યવાહીની ધમકી આપતા રામ કિશન પરમાર તારીખ 18/ 9/ 2024 ના રોજ ગુમ થયા હતા. ગ્રામજનોનું માનીએ તો રામકિશન પરમાર સાદગીભર્યું જીવન જીવનારા અને ઝઘડા કંકાસથી દૂર રહેવા ટેવાયેલા હતા. આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે મતદાન પેટી બદલાવાની બાબતે ખૂબ મોટી મગજમારી સર્જાતા ગ્રામજનને 15 દિવસ સુધી લોકઅપમાં પૂરી દેતા ગામમાં પોલીસની દહેશત સાથે પહેલેથી જ ગામજનોમા ફફડાટ હતો. જેથી ખેતી સાથે સંકળાયેલા રામકિશન પરમાર કોર્ટ કચેરીના લફડાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. આધેડ ગુમ થયા અંગે પરિજનોએ વાઘોડિયા પોલીસમાં જાહેરાત પણ આપી હતી . જોકે ગુમ થયાના પાંચ દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં આધેડનો ડીકમ્પોઝ મૃતદેહ ગામ પાસેના નાળામાંથી કેડસમા પાણીમાંથી મળી આવતા ગામમાં અનેક શંકા કુશંકા સેવાઈ હતી. જેને લઈ વાઘોડિયા પોલીસે મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોસ્મોટર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ બાદ જ આઘેડના શંકાસ્પદ મોતની હત્યા કે પછી આત્મહત્યાની ગુથી ઉકેલાશે.

Most Popular

To Top